ભારતના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડને સોમવારે નવી દિલ્હીની અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થા (AIIMS)માં દાખલ કરવામાં આવ્યા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, છેલ્લા એક અઠવાડિયામાં તેઓ બે વખત અચાનક બેભાન થયા હતા, જેના પગલે તબીબોએ તેમની તબિયતને ધ્યાનમાં રાખીને સંપૂર્ણ તપાસ કરવાની સલાહ આપી હતી.
10 જાન્યુઆરીના રોજ વોશરૂમ તરફ જતા સમયે ધનખડને બે વખત ચક્કર આવી બેભાન થવાની સ્થિતિ સર્જાઈ હતી. શરૂઆતમાં આ ઘટનાને સામાન્ય સ્વાસ્થ્ય સમસ્યા તરીકે જોવામાં આવી હતી, પરંતુ ફરીથી આવું બનતાં પરિવારજનો અને ડોક્ટરો ચિંતિત બન્યા હતા. સોમવારે તેઓ નિયમિત મેડિકલ ચેકઅપ માટે AIIMS પહોંચ્યા હતા, પરંતુ ડોક્ટરોએ MRI સહિતની વિસ્તૃત તપાસ માટે તાત્કાલિક તેમને હોસ્પિટલમાં દાખલ કરવાનો નિર્ણય લીધો.
જાહેર જીવન દરમિયાન પણ જગદીપ ધનખડને ઘણી વખત સ્વાસ્થ્ય સંબંધી તકલીફોનો સામનો કરવો પડ્યો છે. ઉપરાષ્ટ્રપતિ તરીકે ફરજ બજાવતા સમયે કચ્છના રણ, ઉત્તરાખંડ, કેરળ તેમજ દિલ્હીમાં યોજાયેલા કાર્યક્રમો દરમિયાન તેઓ અસ્વસ્થ થયા હતા અને કેટલીક વખત બેભાન પણ થયા હતા. આ ઘટનાઓએ તેમના સ્વાસ્થ્યને લઈને પહેલેથી જ પ્રશ્નો ઊભા કર્યા હતા.
ગત વર્ષે 21 જુલાઈના રોજ ધનખડએ પોતાની ખરાબ તબિયતનું કારણ આપતાં ઉપરાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપ્યું હતું. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે હવે તેમની સર્વોચ્ચ પ્રાથમિકતા સ્વાસ્થ્ય છે અને તેઓ ડોક્ટરોની સલાહને ગંભીરતાથી અનુસરવા માંગે છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને લખેલી પત્રમાં તેમણે સંવિધાનના અનુચ્છેદ 67(એ) હેઠળ પદ છોડવાનો ઉલ્લેખ કર્યો હતો.
હાલ AIIMSમાં નિષ્ણાત તબીબોની દેખરેખ હેઠળ તેમની સ્થિતિ સ્થિર હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. દેશના રાજકીય અને સામાજિક વર્તુળોમાં તેમના સ્વાસ્થ્ય અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે અને તેમના વહેલા સ્વસ્થ થવાની શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.