Thursday, Jan 15, 2026

ઓલપાડના નાયબ મામલતદાર હિનીષા પટેલે કર્યો આપઘાત, કારણ અકબંધ

1 Min Read

સુરતના રાંદેર વિસ્તારમાં આજે (12 જાન્યુઆરી 2026) એક અત્યંત હૃદયદ્રાવક ઘટના બની છે. ઓલપાડ પ્રાંત કચેરીમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા 36 વર્ષીય હિનીષા પટેલે પોતાના ઘરના બેડરૂમમાં દુપટ્ટા વડે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, સવારે આશરે 10 વાગ્યાની આસપાસ તેઓ ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા. આ બાદ પરિવારજનો અને પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા, પરંતુ તેમને બચાવી શકાયા નહીં.

આ કેસમાં કરૂણતા એ છે કે મૃતક હિનીષા પટેલ અને તેમના પતિ બંને મહેસૂલ વિભાગમાં નાયબ મામલતદાર તરીકે કાર્યરત છે. પતિ પણ ઓલપાડ પ્રાંત કચેરીમાં જ ફરજ બજાવે છે. બંને સાથે જ રહેતા હતા અને એક હસતો રમતો પરિવાર હતો. તેવામાં કયા કારણથી મહિલા અધિકારીએ આત્મહત્યા કરી તે મહેસૂલ વિભાગમાં ચર્ચાનો વિષય બન્યો છે.

હાલમાં આત્મહત્યા પાછળનું ચોક્કસ કારણ જાણી શકાયુ નથી. પ્રાથમિક તપાસમાં પારિવારિક તણાવ, કાર્યસ્થળનું દબાણ કે અન્ય માનસિક કારણો હોવાની શક્યતા તપાસવામાં આવી રહી છે. રાંદેર પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો છે અને અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. પતિ તથા અન્ય પરિવારજનોના નિવેદન લેવાની કાર્યવાહી ચાલુ છે. આ ઘટનાથી સમગ્ર વહીવટી તંત્ર અને મહેસૂલ વિભાગમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

Share This Article