ઉત્તરાયણ પર્વ દરમિયાન જાહેર સુરક્ષાને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે ચાઈનીઝ દોરી અને ઘાતક તુક્કલ પરના પ્રતિબંધ અંગે ગુજરાત હાઈકોર્ટમાં મહત્વનું સોગંદનામું રજૂ કર્યું છે. ગૃહ વિભાગના પ્રિન્સીપાલ સેક્રેટરી દ્વારા રજૂ કરવામાં આવેલી આ વિગતોમાં જણાવવામાં આવ્યું છે કે રાજ્યભરમાં સિન્થેટીક, નાયલોન અને ચાઈનીઝ દોરીના ઉત્પાદન, વેચાણ, સંગ્રહ અને વપરાશ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકતું જાહેરનામું અમલી છે અને તેની કડક અમલવારી કરવામાં આવી રહી છે.
સરકાર દ્વારા રજૂ કરાયેલા આંકડાઓ મુજબ, પ્રતિબંધિત દોરીઓના ગેરકાયદેસર વેચાણ અને વપરાશના કિસ્સામાં અત્યાર સુધીમાં કુલ 409 એફઆઈઆર (FIR) દાખલ કરવામાં આવી છે. પોલીસની વિવિધ ટીમો દ્વારા હાથ ધરવામાં આવેલા દરોડામાં ચાઈનીઝ દોરીના અંદાજે 71,819 જેટલા રીલ (ટેલર) જપ્ત કરવામાં આવ્યા છે, જેની બજાર કિંમત આશરે 2.67 કરોડ રૂપિયા જેટલી થવા જાય છે. આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાયેલા કુલ 477 લોકોની અત્યાર સુધીમાં ધરપકડ કરવામાં આવી હોવાનું પણ સરકાર પક્ષે હાઈકોર્ટને જણાવ્યું હતું.
કાયદાકીય કાર્યવાહીની સાથે સાથે જનજાગૃતિ ફેલાવવા માટે પણ વહીવટી તંત્ર સક્રિય બન્યું છે. પ્રતિબંધિત દોરીના જોખમો વિશે લોકોને માહિતગાર કરવા માટે 37થી વધુ સત્તાવાર જાહેરાતો અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર 683થી વધુ પોસ્ટ દ્વારા જાગૃતિ અભિયાન ચલાવવામાં આવ્યું છે.
નોંધનીય છે કે પોલીસ તંત્રને આ બાબતે વિશેષ સત્તાઓ સોંપવામાં આવી છે. જાહેરનામાનો ભંગ કરનારા તત્વો વિરુદ્ધ હવે કોઈપણ પોલીસ કર્મચારી સીધી ફરિયાદ દાખલ કરી શકે છે. ઓનલાઇન પ્લેટફોર્મ પર થતા વેચાણ અંગે પણ સાયબર ક્રાઈમ અને સ્થાનિક પોલીસ દ્વારા બાજ નજર રાખવામાં આવી રહી છે.
પાડોશી રાજ્યોમાંથી આવી ઘાતક દોરીઓની આયાત અટકાવવા માટે સરહદી જિલ્લાઓના પોલીસ વડાઓને સરહદ પર કડક ચેકિંગના આદેશો આપવામાં આવ્યા છે. નાગરિકોની સુવિધા માટે સીટી અને ડિસ્ટ્રીકટ પોલીસ કંટ્રોલ રૂમ ખાતે ખાસ ‘ઉત્તરાયણ હેલ્પડેસ્ક’ કાર્યરત કરવામાં આવ્યું છે. કોઈપણ નાગરિક 112 નંબર પર ફોન કરીને ગેરકાયદેસર દોરીના વેચાણ કે સંગ્રહ વિશે માહિતી આપી શકે છે. આ ફરિયાદોની નોંધણી માટે અલગ રજિસ્ટર રાખવા અને 24 કલાક ફરજ પર રહેલા અધિકારીઓને તાત્કાલિક કાર્યવાહી કરવાના કડક નિર્દેશ પણ જારી કરાયા છે.