Wednesday, Jan 28, 2026

સુરતના આંબોલી ગામમાં ભીષણ આગ, 50થી વધુ ઝુંપડાઓ બળીને ખાખ, શ્રમજીવીઓ બેઘર

2 Min Read

સુરત જિલ્લાના કામરેજ તાલુકાના આંબોલી ગામમાં આજે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. આંબોલી ગામમાં આવેલા શ્રમજીવીઓના રહેણાંક વિસ્તારમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા અંદાજે 50થી વધુ ઝુંપડાઓ બળીને ખાખ થઈ ગયા છે. આ દુર્ઘટનામાં ગરીબ શ્રમજીવીઓની જીવનભરની મૂડી સમાન ઘરવખરી બળીને રાખ થઈ ગઈ છે.

ઘટનાની મળતી માહિતી અનુસાર, આ આગ લાગવાનું કારણ રસોઈ બનાવવા માટે સળગાવવામાં આવેલા ચૂલામાંથી ઉડેલા તણખલા હોવાનું મનાઈ રહ્યું છે. પવનના કારણે તણખલા ઝુંપડાના સૂકા ઘાસ અને પ્લાસ્ટિક પર પડતા આગ ઝડપથી ફેલાઈ હતી. એક પછી એક એમ લાઈનબંધ 50 જેટલા ઝુંપડાઓ આગની લપેટમાં આવી ગયા હતા. સદનસીબે, આગ લાગતા જ લોકો બહાર દોડી આવતા મોટી જાનહાનિ ટળી છે, પરંતુ આર્થિક રીતે શ્રમજીવીઓ પાયમાલ થઈ ગયા છે.

ફાયર બ્રિગેડની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયો
આગની જાણ થતા જ કામરેજ ફાયર બ્રિગેડનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. ફાયર ફાઈટર્સ દ્વારા સતત પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. જોકે, ત્યાં સુધીમાં શ્રમજીવીઓના ઘરમાં રહેલું અનાજ, કપડાં અને અન્ય ઘરવખરીનો સામાન સંપૂર્ણપણે નાશ પામ્યો હતો.

શ્રમજીવી પરિવારો ખુલ્લા આકાશ નીચે રહેવા મજબૂર
કડકડતી ઠંડી વચ્ચે પોતાના આશિયાના છીનવાઈ જતા શ્રમજીવી પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે. માથે છત ન રહેતા અને ખાવા માટે અનાજ પણ ન બચતા પરિવારોમાં શોકની લાગણી જોવા મળી રહી છે. સ્થાનિક આગેવાનો અને તંત્ર દ્વારા અસરગ્રસ્તોને તાત્કાલિક સહાય પૂરી પાડવામાં આવે તેવી માગ ઉઠી રહી છે.

Share This Article