આજે સવારે સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં બોમ્બ મૂકવામાં આવ્યો હોવાનો અનામી ફોન કોલ આવતાંની સાથે જ કોર્ટ પરિસરમાં ભારે હડકંપ મચી ગયો. સુરક્ષાના કારણોસર તાત્કાલિક અસરથી કોર્ટની તમામ કાર્યવાહી સ્થગિત કરી દેવામાં આવી છે અને વકીલો, અરજદારો તેમજ અન્ય વ્યક્તિઓને પરિસરમાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
માનનીય પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ શ્રી આર.એ. ત્રિવેદી સાહેબના હુકમ અનુસાર જારી કરાયેલી સત્તાવાર સૂચનામાં જણાવવામાં આવ્યું છે કે, સુરક્ષાના કારણોસર આજના દિવસે કોઈપણ વકીલ, અરજદાર કે ત્રાહિત વ્યક્તિને કોર્ટ પરિસરમાં પ્રવેશ આપવામાં નહીં આવે. તમામ કોર્ટ કામકાજ હાલમાં સ્થગિત રાખવામાં આવશે. વકીલોને પણ સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે તેઓ કોર્ટમાં ન આવે અને પોતાના પક્ષકારોને પણ ન બોલાવે, જ્યાં સુધી માનનીય પીડીજે સાહેબનો આદેશ ન આવે ત્યાં સુધી.
ધમકી મળતાંની સાથે જ પોલીસ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. ડોગ સ્ક્વોડની મદદથી કોર્ટ પરિસરની તપાસ ચાલી રહી છે. અત્યાર સુધી કોઈ વિસ્ફોટક મળ્યું નથી, પરંતુ તપાસ ચાલુ છે અને ધમકી આપનારનો પત્તો શોધવા સાઇબર ક્રાઇમ ટીમ પણ કાર્યરત છે.
ઉલ્લેખનીય છે કે, ગઈકાલે જ (5 જાન્યુઆરી) અમદાવાદ ગ્રામ્ય કોર્ટને ઇમેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી, જેના કારણે ત્યાં પણ તમામ કાર્યવાહી સ્થગિત કરી દેવામાં આવી હતી અને બોમ્બ સ્ક્વોડ તથા ડોગ સ્ક્વોડ દ્વારા સઘન તપાસ હાત ધરવામાં આવી હતી.
ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં (ખાસ કરીને 2024-2025-2026માં) સ્કૂલો, કોલેજો અને કોર્ટ જેવી સંસ્થાઓને અનેક બોમ્બ ધમકીઓ મળી છે, પરંતુ અત્યાર સુધીના તમામ જાણીતા કેસોમાંથી એક પણ ધમકી સાચી પડી નથી. બધી જ પોકળ સાબિત થઈ છે. આવી ધમકીઓથી સુરક્ષા એજન્સીઓ પર બોજો પડે છે અને જાહેર જનતામાં ભય ફેલાય છે.