ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં મળેલી કેબિનેટ બેઠક બાદ પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ મહત્વના નિર્ણયો અને ચર્ચાઓની માહિતી આપી હતી. બેઠકમાં ખાસ કરીને વધતા સાયબર ફ્રોડ મુદ્દે વિશેષ ચર્ચા કરવામાં આવી હતી. ફ્રોડ માટે મોકલાતી લિંકમાં છુપાયેલા વાયરસ મારફતે ડેટા ચોરી થતી હોવાની ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. Dy. Cm. હર્ષ સંઘવીએ પોલીસ વિભાગ સાથે સાયબર ક્રાઈમને કાબૂમાં લેવા માટે ખાસ ચર્ચા કરી હોવાનું પણ જણાવાયું હતું. સાયબર ફ્રોડ માટે 1930 હેલ્પલાઈન કાર્યરત હોવાનું સરકારે ફરી એકવાર જનતાને યાદ અપાવ્યું છે.
જિલ્લા સ્તરે GDP ગ્રોથ વધારવા મુખ્ય સચિવને જરૂરી સૂચના
કેબિનેટ બેઠકમાં ગ્રામિણ સહકારી બેંકોના વ્યાપ વધારવા અંગે પણ ચર્ચા થઈ હતી. રાજ્યની 9 સહકારી બેંકોને નાબાર્ડ મારફતે વધુ લાભ મળે તે દિશામાં સમીક્ષા કરવામાં આવી છે. આ સાથે રાજ્યના સર્વાંગી વિકાસ માટે જિલ્લા સ્તરે GDP ગ્રોથ વધારવા મુખ્ય સચિવને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હોવાનું પ્રવક્તા મંત્રીએ જણાવ્યું હતું.
કૃષિ રાહત પેકેજ અંતર્ગત અત્યાર સુધી 29 લાખ ખાતેદારોને લાભ મળ્યો
જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું કે, સુરત શહેરને સ્લમ ફ્રી સિટી બનાવવાની દિશામાં સરકાર આગળ વધી રહી છે. ઉપરાંત ગુજરાતમાં કુલ 5 લાખ પ્રધાનમંત્રી આવાસનું નિર્માણ કરવામાં આવશે. કૃષિ રાહત પેકેજ અંતર્ગત અત્યાર સુધી 29 લાખ ખાતેદારોને લાભ મળી ચૂક્યો હોવાનું પણ તેમણે જણાવ્યું.
સૌરાષ્ટ્રની વાઇબ્રન્ટ સમિટમાં પ્રધાનમંત્રી હાજર રહેશે
આગામી રિજનલ વાઇબ્રન્ટ સમિટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગમનની જાહેરાત કરવામાં આવી છે. ખાસ કરીને સૌરાષ્ટ્રની વાઇબ્રન્ટ સમિટમાં પ્રધાનમંત્રી હાજર રહેશે, જેને લઈને સરકાર દ્વારા તૈયારી શરૂ કરવામાં આવી હોવાનું પ્રવક્તા મંત્રીએ સ્વીકાર્યું.
‘પોલીસ કર્મચારીઓના પગાર મુદ્દે ટૂંક સમયમાં નિર્ણય કરાશે’
પોલીસ કર્મચારીઓના પગાર મુદ્દે ઉઠેલી ચર્ચા અંગે સ્પષ્ટતા કરતા જીતુ વાઘાણીએ જણાવ્યું કે, ગ્રાન્ટના અભાવે પગાર વિલંબ થયો છે, પરંતુ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આ મુદ્દે ગંભીરતાથી ચિંતા વ્યક્ત કરી રહ્યા છે અને ટૂંક સમયમાં મહત્વનો નિર્ણય લેવામાં આવશે.
પ્રેમલગ્નની નોંધણી સમયે માતાપિતાની સહમતી ફરજિયાત કરવાની માગ
ગુજરાતમાં પાટીદાર, ઠાકોર સમાજ સહિતના આગેવાનો લાંબા સમયથી પ્રેમલગ્નની નોંધણી સમયે માતાપિતાની સહી ફરજિયાત કરવાની માગ કરી રહ્યા છે. એસપીજીના લાલજી પટેલ તો અલગ અલગ જગ્યાએ સંમેલન યોજી આ માગને બુલંદ બનાવી રહ્યા છે. ચાર મહિના પહેલાં આ માગણીને લઈ મહેસાણામાં યોજાયેલી એક જનક્રાંતિ મહારેલીમાં પાટીદાર સમાજના આગેવાને કહ્યું હતું કે પ્રેમલગ્ન કરનારી દીકરીને મિલકતમાંથી બેદખલ કરવામાં આવે.
લગ્ન નોંધણીની પ્રક્રિયામાં ફેરફાર આ રીતે થશે
- ભાગીને થતાં લગ્નની સીધી નોંધણી બંધ
- વર્ગ-2 અધિકારીની પૂર્વ મંજૂરી ફરજિયાત
- જ્યાં સુધી મંજૂરી ન આવે ત્યાં સુધી તલાટી નોંધણી નહીં કરી શકે
- યુવક-યુવતીના માતા-પિતાને સત્તાવાર નોટિસ
- 30 દિવસમાં માતા-પિતાને લેખિત જવાબ આપવો ફરજિયાત
- આ જવાબને આધારે વર્ગ-2 અધિકારી પોતાનો અભિપ્રાય અને મંજૂરી આપશે