યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધવિરામની ચર્ચા વચ્ચે યુક્રેને રશિયાના રાષ્ટ્રપતિ પુતિનના સત્તાવાર નિવાસસ્થાન પર ડ્રોન હુમલો કર્યો હતો. જેની બાદ રશિયાએ પણ યુક્રેનને જડબાતોડ જવાબ આપવા તૈયારી કરી છે. આ અંગે મળતી માહિતી મુજબ રશિયાએ પ્રથમ વાર પરમાણુ-સક્ષમ ઓરેશ્નિક મિસાઇલો સક્રિય કરી છે. જેનાથી યુક્રેન પર વિનાશક પરમાણુ હુમલો થવાની આશંકા વધી ગઈ છે.
મિસાઇલો પાડોશી બેલારુસમાં તૈનાત કરવામાં આવી
આ અંગે રશિયન સંરક્ષણ મંત્રાલયે મંગળવારે જણાવ્યું હતું કે રશિયાની પરમાણુ-સક્ષમ ઓરેશ્નિક મિસાઇલ સિસ્ટમ સક્રિય કરવામાં આવી છે. મંત્રાલયે જણાવ્યું હતું કે આ મિસાઇલો પાડોશી બેલારુસમાં તૈનાત કરવામાં આવી છે. સૈનિકોને તેની જાણ કરવા નાનો સમારોહ યોજવામાં આવ્યો હતો. જો કે, રશિયાએ કેટલી મિસાઇલો તૈનાત કરી છે તે જાહેર નથી કર્યું.
ડોનાલ્ડ ટ્રમ્પે કાર્યવાહીને ખોટી ગણાવી
પુતિને યુક્રેન દ્વારા કરવામાં આવેલા ડ્રોન હુમલા વિશે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને પણ માહિતી આપી હતી. ત્યારબાદ ટ્રમ્પે યુક્રેનની કાર્યવાહીને ખૂબ જ ખરાબ ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે, આ ખૂબ જ ખોટું છે. હું આનાથી ખૂબ ગુસ્સે છું.” ટ્રમ્પે એમ પણ કહ્યું હતું કે આ શાંતિ પ્રક્રિયા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. પુતિને યુક્રેનને ચેતવણી આપી હતી કે જો યુક્રેન અને તેના પશ્ચિમી સાથીઓ શાંતિ વાટાઘાટો દરમિયાન રશિયાની માંગણીઓને નકારે તો યુક્રેનમાં લશ્કરી કાર્યવાહી તેજ કરવામાં આવશે. આ જાહેરાત રશિયા-યુક્રેન શાંતિ વાટાઘાટો માટે નિર્ણાયક સમયે આવી છે.