સુરતના લિંબાયત વિસ્તારમાંથી એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે, જેમાં સરકાર માન્ય સસ્તા અનાજની દુકાન ચલાવતાં પરિવારને બ્લેકમેઇલ કરી પૈસા પડાવવાનો ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે. પીડિત નિલેશ મહાદુભાઇ મોરે દ્વારા લિંબાયત પોલીસ સ્ટેશનમાં આપવામાં આવેલી વિગતવાર ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા હોવાનું જણાવતા શ્રવણ જોશી અને તેના સાગરીત સંપત ચૌધરીએ મળીને ધમકી, બદનામી અને ખોટા વિડિયો વાયરલ કરવાની ભય બતાવી એક લાખ રૂપિયાની ઉઘરાણી કરી હતી.
ઘટના શું છે?
ફરિયાદ મુજબ, નિલેશ મોરે પોતાની માતા સિંધુબેન મોરેના નામે ચાલતી સરકાર માન્ય રેશન દુકાન (લાયસન્સ નં. 973/96) પર ઓપરેટર તરીકે કામ કરે છે. તારીખ 13-10-2025ના રોજ સવારે દુકાન પર અનાજ વિતરણ ચાલી રહ્યું હતું ત્યારે શ્રવણ જોશી નામનો વ્યક્તિ એક અજાણ્યા સાથી સાથે દુકાને આવ્યો અને દુકાનમાં કાળાબજાર થતો હોવાના ખોટા આરોપો લગાવ્યા.
આ સમગ્ર કૌભાંડમાં વેપારીઓએ હિંમત બતાવી સંપત ચૌધરીને એક લાખ રૂપિયાની રોકડ આપતો લાઈવ વીડિયો ઉતારી લેતા હપ્તાખોરીનું નેટવર્ક ખુલ્લું પડ્યું છે. સાગરીત સંપત ચૌધરીએ અન્ય એક વીડિયોમાં કબૂલાત કરી છે કે તે શ્રવણ જોષીના કહેવા પર જ 25-25 હજારના હપ્તા લેવા જતો હતો, જેના આધારે પોલીસે આ હપ્તાખોર ટોળકીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સસ્તા અનાજના વેપારીઓને ધમકાવીને દર મહિને હપ્તાની માંગણી કરતા
આરોપી શ્રવણ જોષી અને તેનો સાગરીત સંપત ચૌધરી વિસ્તારના સસ્તા અનાજના વેપારીઓને ધમકાવીને દર મહિને હપ્તાની માંગણી કરતા હતા. વેપારીઓએ કંટાળીને આ વખતે આરોપીઓને રંગેહાથ પકડવાનું આયોજન કર્યું હતું. જ્યારે સંપત ચૌધરી ગોડાદરા વિસ્તારમાં હપ્તાની રકમ લેવા આવ્યો, ત્યારે વેપારીએ તેને એક લાખ રૂપિયા આપતો વીડિયો મોબાઈલમાં ઉતારી લીધો હતો. આ વીડિયોમાં સંપત ચૌધરી પીળા રંગના ટી-શર્ટમાં સ્પષ્ટ દેખાય છે અને વેપારી પાસેથી રોકડ રકમ સ્વીકારી રહ્યો છે.
દુકાનદાર પાસેથી દર મહિને 25,000નો હપ્તો નક્કી કરવામાં આવ્યો હતો
શ્રવણ જોષી પર આરોપ છે કે તેણે એકસાથે 10 જેટલા દુકાનદારો પાસેથી ખંડણી વસૂલવાનું નેટવર્ક ગોઠવ્યું હતું. એક અનાજની દુકાનદાર પાસેથી દર મહિને 25,000 રૂપિયાનો હપ્તો નક્કી કરવામાં આવ્યો હતો. કુલ 10 દુકાનો માટે સાડા ત્રણ લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. વેપારીઓને ડરાવવા માટે શ્રવણ જોષી ‘આપ’નો ખેસ પહેરીને દુકાને જતો અને લાયસન્સ રદ કરાવવાની ધમકી આપીને વીડિયો બનાવતો હતો, જેથી વેપારીઓ ગભરાઈને પૈસા આપવા તૈયાર થઈ જાય.
DCP રાજદીપસિંહ નકુમે વધુમાં જણાવ્યું હતું કે, તેમની આ ખંડણીની માંગણીથી કંટાળીને અનાજ દુકાનદાર એસોસિએશનના સભ્યો તેમની પાસે ગયા હતા, જ્યાં આરોપીઓએ 10 દુકાનો દીઠ સાડા ત્રણ લાખ રૂપિયાની માંગણી કરી હતી. તે સમયે એક લાખ રૂપિયા આપવાનું નક્કી થયું હતું અને બાકીના પૈસા પછી આપવાની વાત થઈ હતી. આ રકમ લેતી વખતનો વીડિયો પણ સામે આવ્યો છે. આ લોકો ખંડણી વસૂલવા માટે સોશિયલ મીડિયાનો હથિયાર તરીકે ઉપયોગ કરતા હતા. હાલ આ મામલે બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
આ કેસમાં સૌથી મજબૂત પુરાવો વેપારીએ પોતે તૈયાર કર્યો
સંપત ચૌધરીએ વેપારી પાસે દર મહિને 50 હજાર રૂપિયાના હપ્તાની માંગણી કરી હતી. વાટાઘાટો બાદ, ગોડાદરા વિસ્તારના એક હોલ પાસે 16મી ડિસેમ્બરે સંપત ચૌધરી પૈસા લેવા આવ્યો હતો. વાઇરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, સંપત ચૌધરી પીળા રંગની ટી-શર્ટ પહેરીને બાઈક પર બેઠો છે. તે દરમિયાન વેપારી તેને રોકડા રૂ. 1,00,000 આપી રહ્યો છે. વીડિયોમાં 10 જેટલી દુકાનો પાસેથી કુલ 3.5 લાખ રૂપિયા ખંડણી પેટે વસૂલવાની વાતચીત પણ સંભળાય છે.
પૈસા આપ્યા બાદ પણ ફરીથી ધમકીઓ શરૂ થતાં આખરે પીડિતે પોલીસમાં લેખિત ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં શ્રવણ જોશી, સંપત ચૌધરી અને એક અજાણ્યા સાગરીત સામે ગેરકાયદેસર ઉઘરાણી, ધમકી, બદનામી અને ષડયંત્ર રચવાનો ગંભીર આરોપ લગાવ્યો છે.