રાજ્યમાં નશાના કારોબાર સામે ચાલી રહેલી કડક કાર્યવાહી વચ્ચે ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવીએ યુવાનોને મિત્રતાની નવી સમજ આપતી સંવેદનશીલ અપીલ કરી છે. સુરતમાંથી તેમણે સ્પષ્ટ કહ્યું કે જો કોઈ મિત્ર ડ્રગ્સના રવાડે ચડ્યો હોય તો તેની માહિતી પોલીસને આપવી દગો નહીં, પરંતુ તેને બરબાદીમાંથી બહાર કાઢવાનો પ્રયાસ છે.
તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ડ્રગ્સ લેતા યુવાનોને ગુનેગાર નહીં પરંતુ પીડિત માનવામાં આવશે અને તેમને જેલમાં નહીં, રિહેબિલિટેશન સેન્ટરમાં સારવાર મળશે. પોલીસનું લક્ષ્ય યુવાનોને સજા કરવાનો નહીં પરંતુ નશાનો વેપાર કરનાર મોટા સોદાગરો સુધી પહોંચવાનો છે. સાથે જ અમદાવાદમાં એક કાર્યક્રમ દરમિયાન તેમણે અસામાજિક તત્વો અને ગુંડાઓને કડક ચેતવણી આપતા કહ્યું કે રાજ્યમાં કાયદો વ્યવસ્થા સાથે કોઈ સમજૂતી નહીં થાય અને શાંતિ ભંગ કરનાર દરેક સામે કડક કાર્યવાહી થશે.