વડોદરાના માંજલપુર વિસ્તારમાં ખુલ્લી ગટરમાં પડી જવાથી એક યુવકનું મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે. માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પાસે ડ્રેનેજ લાઈનની કામગીરી ચાલતી હતી, પણ ગટર ખુલ્લી રખાઈ હતી. જ્યારે યુવક ખુલ્લી ગટરમાં પડ્યો હોવાની જાણ થતાં ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી યુવકનું રેસ્ક્યૂ કરવાની કામગીરી હાથ ધરી હતી. જેમાં સ્થાનિકોએ સાથે મળીને દોરડા વડે યુવકને બહાર કઢાયો હતો અને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ડૉક્ટરે યુવકને મૃત જાહેર કર્યો હતો.
પ્રાથમિક વિગતો મુજબ, માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પાસે પાણીની ટાંકીની બહાર પાઇપલાઇન નાખવાનું કામ ચાલતું હોવાથી મોટી પાઇપોનો ખડકલો પડ્યો હતો. નજીકમાં લારીઓ પણ હતી અને અંધારું હોવાથી કોર્પોરેશનનું ચેતવણીનું બોર્ડ જોઈ શકાય તેમ ન હતું.
આ વખતે એક યુવક ત્યાંથી પસાર થતો હોવાથી 30 ફૂટ ઊંડી અને ખુલ્લી ગટરમાં પડી ગયો હતો. જેથી તેની સાથેની મહિલાએ બૂમાબૂમ કરતા લોકો દોડી આવ્યા હતા અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી. લગભગ અડધો કલાકની જહેમત બાદ યુવકને બહાર કાઢવામાં આવ્યો હતો. આ યુવકનું નામ વિપુલસિંહ ઝાલા હોવાનું અને નિવૃત્ત પોલીસ અધિકારીનો પુત્ર હોવાનું જાણવા મળ્યું છે.
બે દિવસ પહેલા ગીર સોમનાથના તાલાલા-સાસણ રોડ પર તંત્રના પાપે ખુલ્લી રહી ગયેલી ગટરમાં એક 10 વર્ષનું બાળક ચાલતા-ચાલતા પડી ગયું હતું. જોકે, સદનસીબે સ્થાનિકોની સમયસૂચકતાથી બાળકનો આબાદ બચાવ થયો હતો, પણ જો જીવ જતો રહ્યો હોત તો જવાબદાર કોણ?