સુરત શહેરમાં ફરી એકવાર ઓવરસ્પીડ અને ટ્રાફિક નિયમોના ભંગના કારણે ગોઝારો અકસ્માત સર્જાયો છે. પુણાગામ વિસ્તારમાં શિવનગર સોસાયટી નજીક BRTSના ડેડિકેટેડ રૂટમાં ઘૂસેલી એક સ્પોર્ટ્સ બાઈક ભયાનક રીતે અકસ્માતગ્રસ્ત થતાં બે યુવાનોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. આ ઘટનાએ શહેરમાં ટ્રાફિક સલામતી અંગે ફરી ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે.
પુણા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, 18 વર્ષીય દિવ્યેશ પ્રવીણભાઈ કોટડીયા મૂળ ગીર સોમનાથનો રહેવાસી હતો અને હાલ પુણાના નેતલદે સોસાયટીમાં પરિવાર સાથે રહેતો હતો. દિવ્યેશ પરિવારનો એકનો એક દીકરો હતો અને મીની બજાર વિસ્તારમાં રત્નકલાકાર તરીકે કામ કરીને પરિવારને આર્થિક સહાય આપતો હતો. બીજી તરફ, 23 વર્ષીય રોનક અશોકભાઈ સોલંકી મૂળ ગીર સોમનાથનો રહેવાસી હતો અને હાલ વરાછાની લક્ષ્મીપાર્ક સોસાયટીમાં રહેતો હતો. રોનક પણ પરિવારનો એકમાત્ર પુત્ર હતો અને હીરાના લેસર મશીન પર કામ કરતો હતો.
બંને યુવકો રાત્રિ શિફ્ટ પૂર્ણ કર્યા બાદ મિત્રો સાથે સીતાનગરની ચાની દુકાને ચા પીવા ગયા હતા. ત્યાંથી ઘરે પરત ફરતી વેળાએ રંગ અવધૂત ચાર રસ્તાથી રેશ્મા સર્કલ વચ્ચે BRTS રૂટ પર તેમની KTM સ્પોર્ટ્સ બાઈક અકસ્માતગ્રસ્ત થઈ. પ્રાથમિક તપાસ મુજબ, બાઈક ઓવરસ્પીડમાં હતી અને બંને સવારોએ હેલ્મેટ પહેરેલું નહોતું. સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતા બાઈક રોડની સાઈડમાં આવેલા ઝાડ સાથે અથડાઈ હોવાની શંકા છે.
પોલીસ દ્વારા CCTV ફૂટેજના આધારે ઘટનાની વિગતવાર તપાસ કરવામાં આવી રહી છે. આ દુર્ઘટનાએ ફરી એકવાર એ સંદેશ આપ્યો છે કે ક્ષણિક રોમાંચ માટે ઝડપ અને નિયમોનો ભંગ કરવો કેટલો જીવલેણ સાબિત થઈ શકે છે.