કર્ણાટકના ચિત્રદુર્ગમાં બુધવારે મોડી રાત્રે સ્લીપર બસમાં ટક્કર થયા બાદ આગ લાગી ગઈ હતી. આ અકસ્માતમાં બસમાં સવાર 10થી વધુ લોકો જીવતા ભૂંજાયા છે. જોકે, કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં આ આંકડો 12 અને 17 પણ બતાવવામાં આવી રહ્યો છે.
આ અકસ્માત NH-48 પર હિરિયૂર તાલુકા પાસે થયો હતો. બસ બેંગલુરુથી ગોકર્ણ જઈ રહી હતી. રિપોર્ટ્સ અનુસાર, બસમાં 30થી વધુ મુસાફરો સવાર હતા.
પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે રાત્રે 2:30 વાગ્યે એક પૂરપાટ ઝડપે આવતી ટ્રકે ડિવાઈડર તોડીને બીજી બાજુ જઈ રહેલી ખાનગી કંપની ‘સીબર્ડ ટ્રાન્સપોર્ટ’ની બસને ટક્કર મારી હતી. બસમાં તરત જ આગ લાગી ગઈ હતી. તે સમયે મુસાફરો સૂઈ રહ્યા હતા, જેના કારણે તેમને બચવાની કોઈ તક મળી શકી નહોતી.