દેશની રાજધાની દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા વિસ્તારમાં થયેલા ભયાનક બોમ્બ વિસ્ફોટના મામલે તપાસ એજન્સી NIA (નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી)એ એક મોટી સફળતા હાંસલ કરી છે.
ગયા મહિને થયેલા આ કાર બોમ્બ બ્લાસ્ટમાં 11 લોકોએ જીવ ગુમાવ્યા હતા, ત્યારથી સુરક્ષા એજન્સી આ આતંકી કાવતરાના મૂળ કડી સુધી પહોંચવા માટે રાત-દિવસ એક કરી રહી છે. આ કેસની કડીઓ જોડતા હવે તપાસનો વ્યાપ દિલ્હીથી લઈને જમ્મુ-કાશ્મીર અને ઉત્તર પ્રદેશ સુધી પહોંચ્યો છે, જેમાં વધુ એક આતંકીની ધરપકડ કરવામાં આવી છે..
NIAએ આ કેસમાં નવમી ધરપકડ તરીકે યાસિર અહમદ ડારને નવી દિલ્હીથી ઝડપી પાડ્યો છે. મૂળ જમ્મુ-કાશ્મીરના શ્રીનગર સ્થિત શોપિયાં વિસ્તારનો રહેવાસી યાસિર આ સમગ્ર ષડયંત્રનો મુખ્ય હિસ્સો છે. તપાસમાં બહાર આવ્યું છે કે 10 નવેમ્બરના દિલ્હીમાં થયેલા કાર બોમ્બ ધડાકાની યોજનામાં તેની સક્રિય ભૂમિકા હતી. તેની સામે ગેરકાયદે પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ (UAPA) અને ભારતીય ન્યાય સંહિતાની વિવિધ ગંભીર ધારાઓ હેઠળ ગુનો નોંધવામાં આવ્યા છે.
તપાસમાં સૌથી ચોંકાવનારો ખુલાસો એ થયો છે કે યાસિર ડાર માત્ર મદદગાર નહોતો, પરંતુ તે આત્મઘાતી હુમલો કરવા માટે તૈયાર હતો અને તેણે આ કામ કરવા માટે શપથ પણ લીધા હતા. તે સતત આ કેસના અન્ય મુખ્ય આરોપીઓ અને મૃતક આતંકી ઉમર ઉન નબી તેમજ મુફ્તી ઇરફાનના સંપર્કમાં હતો. આ આખું જૂથ એક સંગઠિત નેટવર્ક તરીકે કામ કરી રહ્યું હતું, જેનો હેતુ દિલ્હીના ભીડભાડવાળા વિસ્તારોને નિશાન બનાવીને મોટી જાનહાનિ કરવા માગતો હતો.
NIA આ કેસના તમામ પાસાઓને ઉજાગર કરવા માટે કેન્દ્રીય અને રાજ્ય સુરક્ષા એજન્સી સાથે મળીને કામ કરી રહી છે. જમ્મુ-કાશ્મીર અને ઉત્તર પ્રદેશમાં શંકાસ્પદ સ્થાનો પર દરોડા પાડવામાં આવ્યા હતા, જ્યાંથી મોટી માત્રામાં ડિજિટલ ઉપકરણો અને વાંધાજનક સામગ્રી મળી આવી છે.
આ પહેલા હરિયાણાના ફરીદાબાદમાં આવેલી અલ ફલાહ યુનિવર્સિટી પરિસરમાં પણ તપાસ કરવામાં આવી હતી, જ્યાં મુખ્ય આરોપીઓ ડો. મુઝમ્મિલ શકીલ અને ડો. શાહીન સઈદના ઠેકાણાઓ પર સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું.
ધરપકડ બાદ યાસિર ડારને પટિયાલા હાઉસ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં કોર્ટે તેને 26 ડિસેમ્બર સુધી NIAની કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપ્યો છે. હવે તપાસ એજન્સી તેની પૂછપરછ કરીને એ જાણવાનો પ્રયાસ કરશે કે આ આતંકી નેટવર્કને ફંડિંગ ક્યાંથી મળતું હતું અને આગામી સમયમાં તેના અન્ય કયા સ્થળો નિશાન પર હતા. NIA મુજબ તપાસ હાલ ખૂબ જ ઝડપથી આગળ વધી રહી છે અને ટૂંક સમયમાં અન્ય મોટા ખુલાસા થઈ શકે છે.