ગુજરાતના આર્થિક પાટનગર અને વિકાસના ફાસ્ટટ્રેક પર દોડી રહેલા સુરત શહેરે હંમેશા આધુનિકતાને આવકારી છે. પરંતુ આધુનિકતા ત્યારે જ સાર્થક ગણાય જ્યારે વહીવટીતંત્રની સેવાઓ સામાન્ય નાગરિક સુધી સરળતાથી પહોંચે. દેશના પૂર્વ વડાપ્રધાન સ્વ. અટલબિહારી વાજપેયીજીની જન્મજયંતિ નિમિત્તે ઉજવાતા ‘સુશાસન દિવસ’ ના અવસરે સુરત જિલ્લા વહીવટીતંત્રએ મહેસૂલી સુધારા ક્ષેત્રે એક નવી મિસાલ કાયમ કરી છે. સુરત હવે ડિજીટલ સુરત બન્યું છે. જમીન માપણી, દસ્તાવેજ અને બિન-ખેતી (NA) તેમજ બિનખેતી પ્રીમિયમની પ્રક્રિયામાં આવી પારદર્શિતા આવી છે. i-ORA પોર્ટલથી સરળ અને સુગમ જનસેવા પૂરી પાડી જિલ્લા વહીવટીતંત્રએ ‘સ્માર્ટ’ મહેસૂલ ક્ષેત્રે નવા ડગ માંડ્યા છે.
૨૫મી ડિસેમ્બરના રોજ પૂર્વ વડાપ્રધાન સ્વ.અટલબિહારી વાજપેયીજીના જન્મદિવસ નિમિત્તે ઉજવાતા ‘સુશાસન સપ્તાહ’ને અનુલક્ષીને સુરત જિલ્લા કલેક્ટર ડો. સૌરભ પારધીએ વહીવટી તંત્રની કાર્યક્ષમતા અને પારદર્શિતા પર ભાર મૂક્યો છે. ‘સુશાસન સપ્તાહ’ અંતર્ગત તા.૨૦મી ડિસેમ્બરના રોજ મહેસૂલી સુધારણા દિવસની ઉજવણી કરવામાં આવે છે, ત્યારે કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે, અમારો લક્ષ્યાંક ‘મિનિમમ ગવર્મેન્ટ, મેક્સિમમ ગવર્નન્સ’ છે. ટેકનોલોજીના ઉપયોગથી અમે મહેસૂલી પ્રક્રિયાને એટલી સરળ બનાવી દીધી છે કે અરજદારે પોતાની અરજીની સ્થિતિ જાણવા માટે પણ કચેરીએ આવવું પડતું નથી.
‘ડિજીટલ સુરત’ના સંકલ્પ સાથે મહેસૂલી સેવાઓને ફેસલેસ અને ઝડપી બનાવવામાં આવી છે એમ જણાવતા કલેકટર ડો. પારધીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ સુરત વહીવટીતંત્રએ ઘણી પહેલ કરી છે. મહેસૂલી વિભાગમાં કેટલીક સેવાઓ માટે અરજદારોને મુશ્કેલી ન પડે અને સમયનો વ્યય ન થયે માટે ડિજીટલ ટેકનોલોજીના માધ્યમથી ઘણી સેવાઓ ઓનલાઈન કરી છે. પરિણામે અરજદારો ઘરેબેઠા આંગળીના ટેરવે વિવિધ સેવાઓનો ઝડપી અને પારદર્શી રીતે લાભ મેળવી રહ્યા છે.
AnyRoR પોર્ટલમાં જમીનને લગતી તમામ માહિતી; જેમ કે, ૭/૧૨ ના ઉતારા અને હક્ક પત્રક નં.-૬ ની વિગતો હવે ડિજીટલ સ્ક્રીન પર ઉપલબ્ધ છે. i-ORA (Integrated Online Revenue Applications) પ્લેટફોર્મ દ્વારા બિનખેતી (NA), પ્રીમિયમની ચૂકવણી અને લેન્ડ ગ્રેબિંગ જેવી મહત્વની અરજીઓ ઓનલાઈન કરી શકાય છે. સાથે સાથે સિટી સર્વે, પ્રોપર્ટી કાર્ડ અને જંત્રી સહિતની કામગીરી હવે ઓટો મ્યુટેશન દ્વારા ઓનલાઈન થાય છે.
વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, ડિજીટલ સુરતના ભાગરૂપે અરજીઓનો નિકાલ માત્ર ૧૫ થી ૪૫ દિવસમાં નિકાલ થઈ રહ્યો છે. સાથોસાથ 7/12 નોંધો ડિજિટલાઈઝ કરવામાં આવતા જાહેર જનતાને સરળતાથી પ્રાપ્ત થઈ રહી છે. મહેસૂલી તંત્રમાં પારદર્શિતાથી ફેસલેસ ટ્રાન્ઝેક્શન થઈ શકે તે માટે વિશેષ ભાર મૂક્યો છે.
આમ, સુરતના મહેસૂલી તંત્રએ ‘ફેસલેસ’ અને ‘પેપરલેસ’ વહીવટ તરફ ગતિ કરી સંપૂર્ણ પારદર્શિતા સાથે જનસેવાનો માર્ગ અખત્યાર કર્યો છે. સેવા સેતુ, મહેસૂલ મેળા, જિલ્લા અને તાલુકા સ્વાગત કાર્યક્રમ જેવા આયોજનો દ્વારા પ્રજાના પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ લાવવાની પદ્ધતિ અપનાવી છે. સામાન્ય માણસના સમય તેમજ ઉર્જાની બચત કરી સાચા અર્થમાં ‘લોકાભિમુખ શાસન’ સ્થાપિત કર્યું છે.
રાજ્ય સરકારે જનહિતના અભિગમ સાથે મહેસૂલી કચેરીઓમાં ફાઈલોના ખડકલા, લાંબી પ્રતિક્ષાને ભૂતકાળ બનાવી સમયસર, ડિજીટલ અને ઝડપી સેવાનો મંત્ર અપનાવ્યો છે. મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ સુરત કલેક્ટર કચેરીએ ‘ડિજીટલ સુરત’ સંકલ્પને સાકાર કરતા જમીન માપણી, દસ્તાવેજ નોંધણી અને બિન-ખેતી (NA), મહેસૂલી ટાઇટલ અને કાયદેસર કબજેદાર પ્રમાણપત્ર, હયાતીમાં હક્ક દાખલ, ખેડૂત ખરાઇ પ્રમાણપત્ર, વારસાઈ, ક્ષતિ સુધારણા તેમજ ગુજરાત જમીન પચાવવા પર (પ્રતિબંધ) અધિનિયમ ૨૦૨૦ (લેન્ડ ગ્રેબિંગ) સહિત જટિલ પ્રક્રિયાઓને i-ORA પોર્ટલના માધ્યમથી સંપૂર્ણપણે ઓનલાઈન અને પારદર્શક બનાવી છે.