શહેરમાં ગુલાબી ઠંડીની એન્ટ્રી સાથે જ હવાની ગુણવત્તામાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. અમદાવાદનો સરેરાશ વાયુ પ્રદૂષણ આંક (AQI) 245ને પાર કરી ગયો છે, જે સ્વાસ્થ્ય માટે ‘ખૂબ જ ખરાબ’ શ્રેણીમાં ગણાય છે. ખાસ કરીને એસ.જી. હાઈવે અને આસપાસના વિસ્તારોમાં પ્રદૂષણનું પ્રમાણ જોખમી સ્તરે પહોંચ્યું છે.
કયા વિસ્તારની હવા કેટલી ઝેરી?
(AQI લેવલ)
અમદાવાદના વિવિધ વિસ્તારોમાં નોંધાયેલ એર ક્વોલિટી ઇન્ડેક્સના આંકડા નીચે મુજબ છે.
- વૈષ્ણોદેવી: 306 (સૌથી વધુ પ્રદૂષિત)
- ગોતા: 290
- સીપી નગર: 277
- ગ્યાસપુર: 273
- બોડકદેવ: 260
- ઘુમા: 255
- મણિનગર: 242
- ઉસ્માનપુરા/કઠવાડા: 240
- રખિયાલ: 230
- શાહીબાગ: 225
ચિંતાજનક: યુવાનોમાં પણ COPDના લક્ષણો
પ્રદૂષિત હવાને કારણે ફેફસાના રોગો, ખાસ કરીને COPD (ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટિવ પલ્મોનરી ડિસીઝ) ના કેસોમાં નોંધપાત્ર ઉછાળો આવ્યો છે. નિષ્ણાંતોના મતે, કોરોના કાળ બાદ શ્વાસના દર્દીઓમાં 30 ટકાનો વધારો થયો છે. હવે માત્ર વૃદ્ધો જ નહીં, પરંતુ 40થી 50 વર્ષની વયના લોકો અને ધૂમ્રપાન ન કરતા યુવાનોમાં પણ સતત ખાંસી અને શ્વાસ ચઢવા જેવી સમસ્યાઓ જોવા મળી રહી છે.
શા માટે શિયાળામાં પ્રદૂષણ વધે છે?
શિયાળાની ઠંડી હવા ભારે હોય છે, જે ધૂળના રજકણો, ધુમાડો અને વાહનોના પ્રદૂષણને જમીનથી નજીક જકડી રાખે છે. આ ‘સ્મોગ’ (ધૂમ્ર-ધુમ્મસ) શ્વાસ વાટે ફેફસામાં જવાથી બળતરા થાય છે અને અસ્થમા કે બ્રોન્કાઈટિસના હુમલાનું જોખમ વધી જાય છે.
ડોક્ટરોની સલાહ: બચાવના ઉપાયો
- PFT ટેસ્ટ: ફેફસાં કેટલા કાર્યક્ષમ છે તે જાણવા માટે ‘પલ્મોનરી ફંક્શન ટેસ્ટ’ (PFT) કરાવવો જોઈએ. વહેલું નિદાન ગંભીર નુકસાન અટકાવી શકે છે.
- માસ્કનો ઉપયોગ: પ્રદૂષિત વિસ્તારોમાં જતી વખતે N-95 માસ્ક પહેરવાનો આગ્રહ રાખો.
- સમયસર નિદાન: શ્વાસ લેવામાં તકલીફ કે છાતીમાં જકડન અનુભવાય તો તરત જ પલ્મોનોલોજિસ્ટનો સંપર્ક કરો.
- એર પ્યુરિફાયર અને પ્લાન્ટ્સ: ઘરમાં હવા શુદ્ધ રાખવા માટે ઇન્ડોર પ્લાન્ટ્સનો ઉપયોગ કરી શકાય છે.