રાજસ્થાનના બુંદી જિલ્લામાં ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં એક જ પરિવારના ચાર સભ્યોના મોત થયા છે. આ ઘટનાની વિગતો મુજબ કાંકરી ભરેલા ટ્રકનું ટાયર ફાટતા ડ્રાઈવરે કાબુ ગુમાવ્યો હતો અને કારને કચડી નાખી હતી. આ ઘટનાની જાણ થતા પોલીસ પહોંચી હતી અને બચાવ કામગીરી શરુ કરી હતી. તેમજ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે.
સમગ્ર કારનો ભુક્કો બોલાયો
આ અકસ્માત અંગે મળેલી વિગતો મુજબ બુંદી જિલ્લાના નેશનલ હાઈવે નંબર 52 પર કાંકરી ભરેલા ટ્રકનું ટાયર ફાટતા ડ્રાઈવરે કાબુ ગુમાવ્યો હતો. તેમજ આ ટ્રક કાર પર પલટી ગયો હતો. આ અકસ્માત એટલો ભયાવહ હતો કે સમગ્ર કારનો ભુક્કો બોલાયો હતો. તેમજ તેમાં બેસેલા લોકો ફસાઈ ગયા હતા. આ તમામ મૃતકો એક જ પરિવારના હતા.
પોલીસના જણાવ્યા અનુસાર, આ અકસ્માત ગુરુવારે 6:30 વાગ્યે બુંદી જિલ્લાના સદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સિલોર બ્રિજ પાસે થયો હતો. જેમાં ટોંક જિલ્લાના પાંચ લોકો જન્મદિવસની ઉજવણી માટે કાર દ્વારા કોટા જઈ રહ્યા હતા. જયપુરથી કોટા જઈ રહેલા કાંકરી ભરેલો ટ્રક પાછળથી કાર સાથે અથડાયો હતો. જેમાં ટ્રકનું એક ટાયર ફાટી જતા ડ્રાઈવરે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. આ અક્સ્માતમાં ત્રણ સગા ભાઈ સહિત ચાર લોકોના મોત થયા છે.
એક જ પરિવારના ચાર સભ્યોના મોત
મૃતકો ટોંક જિલ્લાના રહેવાસી હતા અને પરિવારના કોઈ સભ્યના જન્મદિવસની ઉજવણી માટે કોટા જઈ રહ્યા હતા. પરંતુ રસ્તામાં જ કાળ ભેટી ગયો. મોઈનુદ્દીન (60), ફરીઉદ્દીન (45), અજમીઉદ્દીન (40) અને તેમના પિતરાઈ ભાઈ સૈફુદ્દીન (28). સૈફુદ્દીનના પિતા વસીઉદ્દીન (64)નો આ અકસ્માતમાં ચમત્કારિક બચાવ થયો છે, તેમને સામાન્ય ઈજાઓ પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
ટ્રક નીચે કાર સંપૂર્ણપણે દબાઈ જતાં અંદર સવાર લોકોને બહાર નીકળવાની કે બચવાની કોઈ તક મળી ન હતી. અકસ્માત બાદ હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો. પોલીસે ક્રેનની મદદથી ટ્રક હટાવી કારમાં ફસાયેલા મૃતદેહોને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. એકસાથે ચાર ભાઈઓના મોતથી ટોંક જિલ્લામાં પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે.