કૃષિ વિજ્ઞાન કેન્દ્ર-સુરત ખાતે મશરૂમ ઉછેરની પાંચ દિવસીય વ્યાવસાયિક તાલીમ યોજાઈ હતી. જેમાં નવસારી કૃષિ યુનિ.ના વિસ્તરણ શિક્ષણ નિયામક ડો. હેમંત આર. શર્માએ જણાવ્યું હતું કે, દેશમાં મશરૂમનું ખૂબ ઓછું ઉત્પાદન અને ઉપયોગ થાય છે, તેથી ખેડૂતો અને ઉદ્યોગ સાહસિકો માટે મશરૂમ ઉછેરના વ્યવસાયમાં ખૂબ મોટી તક છે.
નવસારી કૃષિ યુનિ.ના કુલપતિ ડો.ટી.આર.અહલાવતના માર્ગદર્શન હેઠળ આયોજિત આ તાલીમમાં ક્રિભકોના તજજ્ઞ જતિન હિરપરાએ મશરૂમ ઉછેર વિષે તલસ્પર્શી સમજ આપી હતી. મશરૂમ ઉછેર સાથે સંકળાયેલા સફળ વ્યવસાયિકો ચેતન મિસ્ત્રી, રવિ સલીયા, અનિતાબેન મિસ્ત્રી અને સંદીપ પટેલે તાલીમાર્થીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
આ પ્રસંગે વરિષ્ઠ વૈજ્ઞાનિક અને KVK-સુરતના વડા ડો.જે. એચ. રાઠોડ, આત્મા-સુરતના પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી એન. જી. ગામીત, કૃષિ વૈજ્ઞાનિક ડો.રાકેશ પટેલ, બાગાયત અધિકારી પી.જી. માલવિયા તેમજ આત્માના કર્મચારીગણ, ખેડૂતો, લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
.
સંપૂર્ણ ખોરાક ગણાતા મશરૂમમાં ખૂબ ઉંચી ગુણવત્તા ધરાવતુ પ્રોટીન ઉપલબ્ધ
સંપૂર્ણ ખોરાક ગણાતા મશરૂમમાં ખૂબ ઉંચી ગુણવત્તા ધરાવતુ પ્રોટીન ઉપલબ્ધ છે. આ પ્રોટીનની પાચન શકિત ૭૦% જેટલી છે. તેમાં વિટામીન બી અને સી, થાયમીન, રીબોફલેવીન, નીઓસીન, બાયોટીન અને પેન્ટોથેનીક એસિડનો સમાવેશ થાય છે.
મશરૂમમાં વિટામીન બી-૧૨ અને ફોલિક એસિડ પણ હોય છે, જે સામાન્ય રીતે શાકભાજીમાં નથી હોતું. આ ઉપરાંત, તેમાં પોટેશીયમ અને ફોસ્ફરસ વધુ પ્રમાણમાં હોય છે, સોડિયમનું પ્રમાણ નહિવત હોય છે. આમ, મશરૂમ ખુબ જ ઓછી કેલરી ધરાવતું, વધુ પ્રમાણમાં પ્રોટીન, રેષા અને ઉંચો પોટેશીયમ–સોડિયમનો ગુણોત્તર ધરાવતું હોઈ ડાયાબિટીસ, હાઈ બ્લડપ્રેશરના દર્દીઓ અને મેદસ્વી વ્યકિતઓ માટે ઉત્તમ ખોરાક છે. મશરૂમ ઉછેરમાં જમીન અને સૂર્યપ્રકાશની જરૂર નથી. તે કૃષિની ઉપપેદાશોમાંથી ઉગાડી શકાય છે. ભારતમાં મશરૂમની વિવિધ જાતો ઉગાડવામાં આવે છે. દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં ઓઇસ્ટર (ઢીંગરી) મશરૂમનું સફળતાપૂર્વક ઉત્પાદન લઈ શકાય છે.