Friday, Dec 19, 2025

ગુજરાત: પીએમ સૂર્ય ઘર યોજના હેઠળ 5 લાખથી વધુ ઘરો પર સોલાર પેનલ સાથે દેશમાં પ્રથમ

3 Min Read

સોલાર ઊર્જામાં ગુજરાતનો દબદબો જોવા મળ્યો છે. પીએમ સૂર્ય ઘર યોજના હેઠળ ગુજરાતે 5 લાખથી વધુ રૂફટોપ સોલાર સિસ્ટમ ઈન્સ્ટોલ કર્યા છે. 5 લાખથી વધુ રૂફટોપ સોલાર સિસ્ટમ સ્થાપન સાથે ગુજરાત દેશભરમાં પ્રથમ ક્રમે છે. આ રૂફટોપ સોલાર દ્વારા નાગરિકોએ કુલ રૂ. 3778 કરોડની સબસિડીનો લાભ મેળવ્યો છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તા. 13 ફેબ્રુઆરી 2024ના રોજ શરૂ કરવામાં આવેલી ’પીએમ સૂર્ય ઘર : મફત વીજળી યોજના’ હેઠળ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન તથા રાજ્યના પ્રધાન કૌશિક વેકરીયા અને ઊર્જા પ્રધાન ઋષિકેશ પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાતે ’પીએમ સૂર્ય ઘર: મફત વીજળી યોજના’ના સફળ અમલીકરણ થકી એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે.

ગુજરાતમાં હાલમાં ’પીએમ સૂર્ય ઘર: મફત વીજળી યોજના’ હેઠળ 5 લાખથી વધુ રૂફટોપ સોલાર સિસ્ટમ્સ સ્થાપિત કરવામાં આવી છે, જેના કારણે કુલ 1879 મેગાવોટ સોલાર ક્ષમતા પ્રાપ્ત થઈ છે. આ આંકડો રાજ્યના નિર્ધારિત લક્ષ્યના 50 ટકા કરતાં વધુ છે, જે એક મહત્વપૂર્ણ સિદ્ધિ છે. ગુજરાતે માર્ચ 2027 સુધીમાં આ યોજનાના અંતર્ગત 10 લાખ રહેણાંક રૂફટોપ સોલાર સિસ્ટમ સ્થાપવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે.

રાજ્ય સરકારે પીએમ સૂર્ય ઘર: મફત વીજળી યોજના ને વધુ વેગવંતી બનાવવા અને રૂફટોપ સોલર ઇન્સ્ટોલેશન માટે ગ્રાહકોને પ્રોત્સાહિત કરવા, ૬ કિ.લો વોટ સુધીની સોલાર રૂફ્ટોપ સિસ્ટમ માટે રેગ્યુલેટરી ચાર્જીસ રૂ.૨૯૫૦ની સહાય તથા ૬ કિલો વોટ સુધીની સોલાર રૂફ્ટોપ સિસ્ટમ માટે નેટવર્ક સ્ટ્રેન્થનિંગ ચાર્જ માફ કરવામાં આવ્યો છે. તેમજ વધુ સુવિધા માટે નેટ મીટરીંગ એગ્રીમેન્ટ કરવાની જરૂરિયાતમાંથી પણ મુક્તિ આપવામાં આવી છે. જેના પરિણામ સ્વરૂપે ગુજરાતમાં વધુમાં વધુ નાગરિકો પીએમ સૂર્ય ઘર: મફત વીજળી યોજનાનો લાભ લઇ રહ્યા છે.

આ યોજનામાં સોલાર રૂફ્ટોપ સિસ્ટમ સ્થાપનમાં અગ્રેસર જીલ્લાઓ:

  • સુરત – 65,233
  • અમદાવાદ – 59,619
  • રાજકોટ – 56,084
  • વડોદરા – 43,656
  • જૂનાગઢ – 22,858

સિદ્ધિઓના મુખ્ય પરિબળો:
રાજ્ય સરકારની નવીનીકરણીય ઊર્જાને પ્રોત્સાહન આપવા માટેની મજબૂત પ્રતિબદ્ધતા અને સક્રિય સહયોગ, ગ્રાહક-પ્રથમ અભિગમ, નીતિ આધારિત આયોજન અને સરળ પ્રક્રિયાઓ ગુજરાતની સફળતાના મુખ્ય પરિબળો છે. રાજ્યમાં રહેણાંક સોલાર સ્થાપન માટે લોડની કોઈ મર્યાદા નથી અને વધારાની વીજળી વેચાણની સુવિધા પણ ઉપલબ્ધ છે. સોલાર સિસ્ટમ ધરાવતા રહેણાંક ગ્રાહકો માટે બેંકિંગ ચાર્જ લાગુ પડતા નથી, જેના કારણે નાગરિકોને કોઈપણ પ્રકારની અડચણ વગર સરળતાથી યોજનાનો લાભ મળી રહ્યો છે.

પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના હેઠળ રહેણાંક ક્ષેત્રમાં 2 kW સુધી રૂ. 30,000 પ્રતિ kW, ૨ kWથી વધુ ૩ kW સુધી રૂ. 18,000 પ્રતિ kW અને 3 kW થી વધુની ક્ષમતા માટે કુલ રૂ. 78,000 સુધીની સબસિડી આપવામાં આવે છે.

Share This Article