વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના શિલ્પકાર પદ્મ ભૂષણ રામ સુતારનું 100 વર્ષની વયે નોઈડામાં નિધન થયું છે. તેમણે અનેક જાણીતી મૂર્તિઓ બનાવી હતી. રામ સુતાર જે પત્થરને સ્પર્શ કરતા હતા તે શાનદાર મૂર્તિનું રૂપ લેતો હતો. 67 વર્ષ પહેલા તેઓ મહારાષ્ટ્રથી દિલ્હી આવીને સ્થાયી થયા હતા. તેમના પુત્રએ અનિલ સુતારે પિતાના નિધનની જાણકારી આપી હતી.અનિલ સુતારે કહ્યું, મારા પિતા રામ વનજી સુતારનું 17 ડિસેમ્બરે મધરાતે અમારા નિવાસ સ્થાને નિધન થયું છે. અંતિમ સંસ્કાર અને અન્ય વિધિ 18 ડિસેમ્બરના રોજ કરાશે.
રામ સુતારનો જન્મ 19 ફેબ્રુઆરી 1925 ના રોજ મહારાષ્ટ્રના ધુલે જિલ્લાના ગોંડુર ગામમાં એક સામાન્ય સુથાર પરિવારમાં થયો હતો. બાળપણથી જ કલા પ્રત્યે તેમનો ઊંડો ઝુકાવ હતો. તેમની પ્રતિભાને તેમના ગુરુ રામકૃષ્ણ જોશીએ ઓળખી અને તેમને મુંબઈની પ્રતિષ્ઠિત જે.જે. સ્કૂલ ઓફ આર્ટસમાં પ્રવેશ લેવા માટે પ્રેરિત કર્યા હતા. અહીંથી જ તેમની મૂર્તિકળાની યાત્રા શરૂ થઈ, જે આગળ જતાં તેમને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ સુધી લઈ ગઈ હતી.
સરકારી નોકરી છોડીને મૂર્તિઓ બનાવવા લાગ્યા
1959માં રામ સુતાર દિલ્હી આવ્યા અને માહિતી અને પ્રસારણ મંત્રાલયમાં નોકરી શરૂ કરી, પરંતુ કલા પ્રત્યેનું તેમનું સમર્પણ એટલું ઊંડું હતું કે થોડા સમય પછી તેમણે સરકારી નોકરી છોડી દીધી અને સંપૂર્ણ રીતે મૂર્તિકળાને જ પોતાનું જીવન બનાવી લીધું. 1961માં ગાંધીસાગર ડેમ પર દેવી ચંબલની 45 ફૂટ ઊંચી પ્રતિમાએ તેમને રાષ્ટ્રીય ઓળખ અપાવી. ત્યારબાદ સંસદ ભવન પરિસરમાં ગોવિંદ વલ્લભ પંતની આદમકદ પ્રતિમા સહિત અનેક મહત્વપૂર્ણ કૃતિઓ તેમણે તૈયાર કરી.
રામ સુતારે બનાવેલી કેટલીક જાણીતી મૂર્તિઓ
- સ્ટેચ્યુ ઓફ યુનિટીઃ ગુજરાતના કેવડિયા કોલોની ખાતે આવેલી આ વિશ્વની સૌથી ઊંચી મૂર્તિ છે. જે સરદાર વલ્લભભાઈ પટેલને સમર્પિત છે. તેની ઊંચાઈ 182 મીટર છે.
- મહાત્મા ગાંધીની મૂર્તિઃ રામ સુતારે મહાત્મા ગાંધીને 350થી વધુ મૂર્તિઓ બનાવી છે. જે વિશ્વભરમાં સ્થાપિત છે.
- ડૉ. બાબાસાહેબ આંબેડકરની મૂર્તિઃ તેમણે ડો. બાબાસાહેબ આંબેડકરની અનેક મૂર્તિઓ બનાવી છે. જેમાંથી એક મુંબઈના ચૈત્યભૂમિમાં સ્થાપિત છે.
- ભગવાન શિવની મૂર્તિઃ બેંગલુરુ સ્થિત ભગવાન શિવની 153 ફૂટ ઊંચી પ્રતિમા પણ તેમણે બનાવેલી મુખ્ય મૂર્તિઓ પૈકીની એક છે.
- છત્રપતિ સંભાજી મહારાજની મૂર્તિઃ પુણેમાં છત્રપતિ સંભાજી મહારાજની 100 ફૂટ ઊંચી પ્રતિમા પણ તેમણે બનાવી હતી.
મળી ચુક્યા છે અનેક પુરસ્કાર
રામ સુતારને તેમના કામ માટે અનેક પુરસ્કાર પણ મળ્યા છે. જેમાં પદ્મશ્રી, પદ્મ ભૂષણ અને પદ્મ વિભૂષણ સામેલ છે. તેમને 2019માં ભારતના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્નથી સન્માનિત કરાયા હતા. તાજેતરમાં મહારાષ્ટ્ર સરકારે તેમને મહારાષ્ટ્ર ભૂષણથી નવાજ્યા હતા.