અમદાવાદ અને ગાંધીનગરની શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી બાદ ગાંધીનગરના સચિવાલયને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે. ધમકી મળતા સચિવાયલમાં ચેકિંગ હાથ ધરાયું. ડોગ સ્કોવોર્ડની ટીમ દ્વારા સચિવાયલમાં સઘન તપાસ હાથ ધરાઇ છે.
અમદાવાદમાં ફરી એકવાર શાળાઓમાં બોમ્બની ધમકીનો સિલસિલો યથાવત રહ્યો છે. આજે સવારે વેજલપુરના જીવરાજ પાર્ક વિસ્તારમાં આવેલી જાણીતી ઝાયડસ સ્કૂલમાં બોમ્બ મુક્યા હોવાનો ધમકીભર્યો ઈમેઈલ મળતા પોલીસ તંત્ર અને શાળા સંચાલકોમાં નાસભાગ મચી ગઈ હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, આજે સવારે અંદાજે 10 વાગ્યાના સુમારે સ્કૂલ પ્રશાસનને એક શંકાસ્પદ ઈમેઈલ મળ્યો હતો, જેમાં સ્કૂલમાં બોમ્બ હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. આ બાબતની જાણ થતાની સાથે જ સ્કૂલ સંચાલકોએ ત્વરિત ધોરણે પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી હતી.
નીચે જણાવેલી શાળાને મળી ધમકી
- ઝેબર
- ઝાયડસ
- અગ્રસેન
- DAV
- નિર્માણ સ્કૂલ, વસ્ત્રાપુર
- ઝાયડસ સ્કૂલ, વેજલપુર
- ડિવાઇન સ્કૂલ, અડાલજ
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને સ્થાનિક પોલીસ સ્ટેશનનો કાફલો, ફાયર બ્રિગેડની ટીમ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) અને બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ (BDDS) તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. સાવચેતીના ભાગરૂપે શાળામાંથી તમામ વિદ્યાર્થીઓને તાત્કાલિક અસરથી વર્ગખંડોમાંથી બહાર કાઢી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા અને શાળાનું ગ્રાઉન્ડ ખાલી કરાવવામાં આવ્યું હતું.
હાલમાં બોમ્બ સ્કવોડ અને ડોગ સ્કવોડ દ્વારા સમગ્ર સ્કૂલ કેમ્પસમાં ખૂણે-ખૂણે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. આ સમાચાર વાયુવેગે પ્રસરતા વાલીઓમાં પણ ચિંતાનું મોજું ફરી વળ્યું છે અને તેઓ સ્કૂલ ખાતે દોડી આવ્યા હતા. પોલીસ દ્વારા હાલ ઈમેઈલનું પગેરું શોધવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ભૂતકાળમાં પણ અમદાવાદની અનેક નામાંકિત સ્કૂલોને આવા ફેક ઈમેઈલ મળી ચૂક્યા છે.