અમદાવાદ અને ગાંધીનગરની શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભરેલો ઈ-મેઈલ મળતા હલચલ મચી ગઈ છે. ઈ-મેઈલમાં બપોરે 1.30 વાગ્યે બોમ્બ બ્લાસ્ટ થવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ગાંધીનગર જિલ્લામાં કલોલની આવિષ્કાર શાળા, ખોરજની જેમ્સ અને જેનેસિસ શાળાઓને પણ ધમકી મળી હતી. ધમકી મળતાની સાથે જ પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી અને બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ તેમજ સુરક્ષા બળોને તાત્કાલિક કાર્યવાહી માટે નિયુક્ત કરી.
પોલીસે તપાસમાં જાણવા મળ્યું કે ધમકીભર્યો ઈ-મેઈલ ખાલિસ્તાન મૂવમેન્ટ સાથે સંકળાયેલા ગ્રુપ દ્વારા મોકલવામાં આવ્યો હતો. આ ઇમેઇલમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તેમજ લોરેન્સ બિશ્નોઇના નામનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઈ-મેઈલ શાળાઓને સવારે 8:33 મિનિટે મળ્યો હતો અને ત્યારબાદ બપોરે 1.11 કલાકે બ્લાસ્ટ થવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. હાલ સુરક્ષા વધારીને તપાસ ચાલી રહી છે.
અમદાવાદમાં મહારાજા અગ્રસેન, ઝાયડસ, ઝેબર અને દેવ ઇન્ટરનેશનલ સ્કૂલ સહિત કુલ 8 સ્કૂલોને બોમ્બ બ્લાસ્ટની ધમકી ભરેલો ઇમેઇલ મળતા હલચલ મચી ગઈ છે. ધમકી મળતાં સ્કૂલ સંચાલકોએ તરત જ વિદ્યાર્થીઓની સુરક્ષા માટે પગલાં લીધાં અને સ્કૂલોને થોડીવાર માટે બંધ રાખી હતી. પોલીસ વિભાગે ઘટના સ્થળ પર પહોંચીને બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ અને SOGની ટીમો દ્વારા સ્કૂલની તપાસ શરૂ કરી. સાઇબર ક્રાઇમ વિભાગે પણ ઇમેઇલની વિગતો એકત્ર કરી તપાસ હાથ ધરી છે. ધમકીમાં સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે બપોરે 1.30 કલાકે સ્કૂલોમાં બ્લાસ્ટ કરવાની યોજના છે. આ પગલાંને ધ્યાનમાં રાખી સ્કૂલ સંચાલકોએ વિદ્યાર્થીઓને રજા આપી હતી. હાલ પોલીસ અને સલામતી બળો સુરક્ષાનું પૂરું આયોજન કરીને સ્કૂલ મોનિટરિંગ કરી રહ્યા છે અને સંબંધિત તપાસ ચાલુ છે.