Monday, Dec 15, 2025

ઉદયપુરમાં 6 વાહનો અથડાયા, કાર પર માર્બલ બ્લોક પડતાં 3 ગુજરાતીનાં મોત

2 Min Read

રાજસ્થાનના ઉદયપુર જિલ્લામાં એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. નિર્માણાધીન હાઈવે પર કોન્ટ્રાકટરની બેદરકારીના કારણે માર્બલ બ્લોક ભરેલું ટેન્કર અનિયંત્રિત થઈને પલટી ગયું હતું. આ સમયે એક કાર તેની નીચે દબાઈ ગઈ હતી અને પાછળથી આવેલા ટ્રકે આગળ જતી ગુજરાત પાસિંગની કારને ઝપેટમાં લીધી હતી.

આ દુર્ઘટનામાં વાવ- થરાદ જિલ્લાના ત્રણ યુવકોના કરુણ મોત નિપજ્યાં છે, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ ગમખ્વાર ઘટનાને પગલે વાવ-થરાદ પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

મળતી માહિતી મુજબ, ભાભર તાલુકાના ચાર વ્યક્તિઓ રાજસ્થાનના પ્રવાસે નીકળ્યા હતા. ઉદયપુર નજીક સર્જાયેલા આ ભયાનક અકસ્માતમાં તેમાંથી ત્રણ યુવકોએ જીવ ગુમાવ્યો છે, જ્યારે ચોથી વ્યક્તિ ઇજાગ્રસ્ત થઈ છે, જેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. વાહનો વચ્ચેની ટક્કરને કારણે આ અકસ્માત સર્જાયો હતો.

ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. મૃતક ત્રણેય યુવકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોસ્ટમોર્ટમની કાર્યવાહી પૂર્ણ થયા બાદ ત્રણેય મૃતકોના મૃતદેહને તેમના વતન વાવ અને થરાદ ખાતે લાવવામાં આવશે.

અકસ્માત એટલો ભીષણ હતો કે એક માસૂમ અને એક મહિલા અંદર ફસાઈ ગયા હતા. વાહનોનો પણ કચ્ચરઘાણ નીકળી ગયો હતો. છ વાહનોની એક સાથે ટક્કરથી થોડીવાર માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. દુર્ઘટના બાદ હાઈવે પર આશરે 5 કિમી લાંબી લાઈન લાગી હતી. જેના કારણે વાહનવ્યવહાર ઠપ થઈ ગયો હતો અને લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ઘટનાની જાણ થતાં જ સ્થાનિકો, હાઈવે ટીમ અને 108ની ટીમ પહોંચી હતી.

Share This Article