પોપટપરા વિસ્તારમાં એક લગ્ન પ્રસંગના જમણવાર બાદ ફૂડ પોઇઝનિંગની મોટી ઘટના સામે આવી છે. આ જમણવારમાં 1000થી વધુ લોકો હાજર હતા, જેમાંથી આશરે 200 જેટલા લોકોને ફૂડ પોઇઝનિંગની ગંભીર અસર થઈ છે. સ્થિતિની ગંભીરતા જોતા તાત્કાલિક પોલીસ અને સાતથી વધુ એમ્બ્યુલન્સ ઘટના સ્થળે દોડી ગઈ હતી. અસરગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવાની કાર્યવાહી હાથ ધરાઈ છે.
હાલ સ્થિતિ નિયંત્રણમાં
આ અંગે ધોળકાના ધારાસભ્ય કિરીટસિંહ ડાભીએ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, જે લોકોને અસર થઈ છે, તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. હાલ સ્થિતિ નિયંત્રણમાં (કંટ્રોલમાં) છે. જે લોકો જમણવાર બાદ ઘરે ગયા છે, તેમનો પણ સંપર્ક કરવામાં આવી રહ્યો છે, અને જો તેમને સારવારની જરૂર પડશે તો તે પણ પૂરી પાડવામાં આવશે. આ સમગ્ર ઘટના અંગે હાલ વધુ તપાસ ચાલુ છે, પરંતુ જમણવારમાં લીધેલા ભોજનને કારણે આ ફૂડ પોઇઝનિંગ થયું હોવાનું પ્રાથમિક તારણ છે.