સુરત શહેરમાં ચોરીની ઘટનાઓએ લોકોનો રોષ વધાર્યો છે. રવિવારે રાત્રે વરાછા વિસ્તારના એલ.જી. નગર પાસે એક યુવક મોબાઈલ ફોન ચોરવાના પ્રયાસમાં રંગે હાથ ઝડપાઈ ગયો. લોકોએ તેને પકડી પાડ્યો અને ગુસ્સે ભરાઈને ઢીંકા-પાટુ અને ચપ્પલથી માર માર્યો. આ સમગ્ર ઘટનાનો વિડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં લોકો “ચોર-ચોર”ના નારા લગાવતા અને યુવકને માર મારતા દેખાઈ રહ્યા છે.
જાણવા મળ્યા અનુસાર, આ યુવક રાત્રે લોકોની અવરજવરવાળા વિસ્તારમાં ફરતો હતો અને મોબાઈલ ચોરવાની તક શોધી રહ્યો હતો. એક યુવાનનો ફોન ચોરવાનો પ્રયાસ કરતાં જ તેને લોકોએ પકડી લીધો. રોષે ભરાયેલા લોકોએ તેને રસ્તા પર જ પછાડી દીધો અને સતત માર માર્યો. વિડિયોમાં યુવક વારંવાર માફી માંગતો અને “હવે નહીં કરું” કહેતો સંભળાય છે, પરંતુ લોકોનો ગુસ્સો શાંત ન થયો. લગભગ ૧૦-૧૫ મિનિટ સુધી માર ચાલ્યા બાદ લોકોએ તેને વરાછા પોલીસ સ્ટેશનને સોંપી
પોલીસે જણાવ્યું કે, આરોપી સામે ચોરીનો પ્રયાસ અને અગાઉ પણ નાની-મોટી ચોરીના બે ગુના નોંધાયેલા છે. હાલ તેની ધરપકડ કરી ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે લોકોને અપીલ કરી છે કે ગુન્હેગારોને પકડીને પોલીસને સોંપે, પરંતુ કાયદો પોતાના હાથમાં ન લે.