વર્ષ 2007માં સહારા ઇન્ડિયા બેંકમાં નોકરી દરમિયાન ગ્રાહકોના ફિક્સ ડીપોઝીટના રૂપિયાની ઉચાપત કરીને વતન ઉતર પ્રદેશ ભાગીને સરકારી શિક્ષક તરીકે નોકરીએ લાગેલા આરોપીને સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે ઝડપી પાડયો છે.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે ઉતર પ્રદેશના બસ્તી જિલ્લાના જુનિયર ડાઈસ્કૂલ બટુપુર ખાતેથી આરોપી સુરેશસિંગ ફોજદાર સિંગ (53)ને ઝડપી પાકયો હતો. આરોપી સામે સુરતના અમરોલી પોલીસ મથકમાં વર્ષ 2010માં ગુનો નોંધાયો હતો. પોલીસના જણાવ્યા મુજબ પકડાયેલો આરોપી વર્ષ 2007માં સુરત શહેરમાં રહેતો હતો અને તે વખતે અમરોલી છપરાભાઠા રોડ અરીહંત પાર્ક ખાતે આવેલી સહારા ઇન્ડિયા બેંકમાં નોકરી કરતો હતો.
પોતાની ફરજ દરમ્યાન ફરિયાદી રાકેશ ચૌધરી (કેશિયર) તા. 23-06-2007થી 6 દિવસની રજા ઉપર ગયા હતા, તે સમયે આરોપી સુરેશસિંગ ફોજદાર સિંગ સીનિયર ઓફીસ વર્કર તરીકે નોકરી હતો. જેણે રેકર્ડ સાથે છેડા કરી બેંકમાં ફિક્સ ડીપોઝીટ અલગ અલગ 6 ખાતાના કુલ ચેકો બેરર તેમજ એકાઉન્ટ પે થી પોતાના અક્ષરમાં બનાવીને પોતાના દ્રારા સહીઓ કરીને એમાંથી રૂપિયા 3,90,827 ઉચાપત કરીને નાસી ગયો હતો. આરોપીની તપાસ કરતા તે મળી આવતો ન હોય નામદાર કોર્ટ દ્વારા સીઆરપીસી-૭૦ મુજબનું વોરંટ ઈશ્યુ કરવામાં આવ્યું હતું.
સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે આરોપી વિષે તપાસ કરતા તે પોતાના વતન ખાતે રહેવાનું બંધ કરી દીધેલાનું અને ડાલમાં ઉતર પ્રદેશ બસ્તી જિલ્લા ખાતે આવેલી જુનીયર ડાઈસ્કૂલ બટુપુર સરકારી શાળામાં શિક્ષક તરીકે નોકરી કરતો હોવાનું અને મુરઘાટ ગામ ખાતે રહેતો હોવાનું જાણવા મળ્યું હતું.
આથી સુરત ક્રાઈમ બ્રાંચની ટીમ દ્વારા તેના રહેઠાણ અને તે જ્યાં નોકરી કરતો હતો તે સ્કૂલ ઉપર વોચ કરવામાં આવી હતી અને આરોપી ગર્વમેન્ટ જોબ કરતો હોય જેથી સંપૂર્ણ ખાતરી અને ખરાઈ કર્યા બાદ તે જ મુખ્ય આરોપી હોવાનું જણાય આવતા તેને સ્કૂલમાંથી પકડી પાડવામાં આવ્યો હતો. આ આરોપીને વર્ષ 2014થી શિક્ષક તરીકે પરમેનેન્ટ ઓર્ડર મળ્યો છે અને સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે આરોપીને ઝડપીને તેનો કબ્જો અમરોલી પોલીસને સોપ્યો છે.