ગુજરાતમાં હાલ ચૂંટણી પંચ દ્વારા ચલાવવામાં આવી રહેલી સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) એટલે કે વિશેષ સઘન સુધારણા પ્રક્રિયા ખરેખર એક મોટું “મતદાર યાદી ક્લિન-અપ ડ્રાઇવ” બની ગઈ છે. 4 નવેમ્બરથી શરૂ થયેલી આ પ્રક્રિયા 11 ડિસેમ્બર સુધી ચાલશે અને તેના પરિણામો ચોંકાવનારા છે. ગુજરાતમાં ચાલી રહેલી પ્રક્રિયા દરમિયાન, એવું બહાર આવ્યું છે કે રાજ્યભરમાં 17 લાખથી વધુ મૃત મતદારોના નામ હજુ પણ યાદી છે.
રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી (CEO) કાર્યાલયે જણાવ્યું કે ગુજરાતમાં SIR પ્રક્રિયા 4 નવેમ્બરના રોજ BLO દ્વારા તેમના નિયુક્ત વિસ્તારોમાં ગણતરી ફોર્મના વિતરણ સાથે શરૂ થઈ હતી. આ પ્રક્રિયા 11 ડિસેમ્બર સુધી ચાલુ રહેશે.
33 જિલ્લાઓમાં 100% ફોર્મ વિતરણ
સીઈઓના જણાવ્યા મુજબ, “છેલ્લા એક મહિનામાં, 2025 ની મતદાર યાદીમાં નોંધાયેલા 5 કરોડથી વધુ મતદારોને ગણતરી ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું છે. રાજ્યના 33 જિલ્લાઓમાંથી મોટાભાગનામાં 100% ફોર્મ વિતરણ પૂર્ણ થઈ ગયું છે. ભરેલા ફોર્મનું ડિજિટાઇઝેશન હાલમાં ચાલુ છે. અત્યાર સુધીમાં, 182 વિધાનસભા બેઠકોમાંથી 12 બેઠકોમાં ડિજિટાઇઝેશન પૂર્ણ થઈ ગયું છે.”
આમાં બનાસકાંઠા જિલ્લાના ધાનેરા અને થરાદ, દાહોદ જિલ્લાના લીમખેડા અને દાહોદ (ST), અરવલ્લી જિલ્લાના બાયડ, રાજકોટ જિલ્લામાં ધોરાજી, જસદણ અને ગોંડલ, આણંદ જિલ્લામાં ખંભાત, જૂનાગઢ જિલ્લાના કેશોદ, નવસારી જિલ્લાના જલાલપોર અને ખેડા જિલ્લાના મહેમદાવાદનો સમાવેશ થાય છે.
SIR પ્રક્રિયામાં ડાંગ જિલ્લો આગળ
રાજ્ય ચૂંટણી પંચ દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં જણાવાયું છે કે ડાંગ જિલ્લો આ પ્રક્રિયામાં આગળ છે, તેણે પરત આવેલા 94.35% ફોર્મનું ડિજિટાઇઝેશન પૂર્ણ કર્યું છે. કમિશનના જણાવ્યા અનુસાર, “આ કવાયત દરમિયાન, એવું જાણવા મળ્યું કે રાજ્યભરમાં કુલ મતદાર યાદીમાં લગભગ 17 લાખ મૃત મતદારોનો સમાવેશ થયો છે. 6.14 લાખથી વધુ મતદારો તેમના જૂના સરનામે મળ્યા જ નહીં (ગુમનામ). વધુમાં, એવું બહાર આવ્યું છે કે 30 લાખથી વધુ લોકો કાયમી ધોરણે સ્થળાંતર કરી ગયા છે, પણ તેમનું નામ જૂની જગ્યાએ જ છે.
ગુજરાતની મતદાર યાદીમાં લાખો મતદારો એવા છે જેમની પાસે એક કરતાં વધુ મતદાર કાર્ડ છે. રાજ્ય ચૂંટણી પંચની વિશેષ સઘન સુધારણા (SIR) પ્રક્રિયા દરમિયાન બૂથ લેવલ ઓફિસર્સ (BLO) ને 3.25 લાખથી વધુ એવા મતદારો મળ્યા છે, જેમનું નામ એક કરતાં વધુ મતવિસ્તાર કે મતદાન મથકે નોંધાયેલું છે.