Sunday, Dec 7, 2025

ભાવનગરની પેથોલોજી લેબોરેટરીમાં ભયાનક આગ, બાળકો-વૃદ્ધોનું રેસ્ક્યૂ

2 Min Read

ભાવનગર શહેરના કાળાનાળા વિસ્તારમાં આવેલી દેવ પેથોલોજી લેબોરેટરીમાં ભયંકર આગ ફાટી નીકળી છે. હાલમાં સ્થાનિક યુવાનોએ રેસ્ક્યુ કામગીરી હાથ ધરી બાળકો વૃદ્ધોને બહાર કાઢવાનું શરુ કર્યું છે. ચારેતરફ અફરાતફરીનો માહોલ છે.

ભાવનગરના કાળુભાર રોડ પર સ્થિત સમીપ કોમ્પલેક્ષમાં આજે સવારે ભીષણ આગ લાગતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ કોમ્પલેક્ષમાં અંદાજે 10 થી 12 જેટલી ખાનગી હોસ્પિટલો કાર્યરત હોવાથી પરિસ્થિતિ વધુ ગંભીર બની હતી. આગની શરૂઆત કોમ્પલેક્ષના પાર્કિંગ એરિયામાં થઈ હતી અને થોડી જ વારમાં તે ઉપરના માળ સુધી પ્રસરી ગઈ હતી. આગના કારણે ધુમાડાના ગોટેગોટા નીકળતા કોમ્પલેક્ષમાં દાખલ દર્દીઓ અને તેમના સગા-સંબંધીઓમાં ભય ફેલાયો હતો.

આ ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની અનેક ટીમો ઘટનાસ્થળે દોડી આવી હતી અને તાત્કાલિક રેસ્ક્યુ તથા બચાવ કામગીરી શરૂ કરી હતી. આગની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, ઇજાગ્રસ્તો અને અન્ય દર્દીઓને સલામત સ્થળે ખસેડવા માટે 25 થી 30 જેટલી એમ્બ્યુલન્સ તૈનાત કરવામાં આવી હતી. આ એમ્બ્યુલન્સો દ્વારા તમામ દર્દીઓને યુદ્ધના ધોરણે અન્ય હોસ્પિટલોમાં ખસેડવાની કામગીરી ચાલુ છે.

આગને લઈ કોઈ જાનહાનિ થઈ નથી: મનપા કમિશનર ભાવનગરના કમિશનર એન.વી.મીનાએ જણાવ્યું કે કોમ્પલેક્સના ગ્રાઉન્ડ ફ્લોર પર કચરામાં આગ લાગી હતી. એના ધુમાડાથી હોસ્પિટલના દર્દીઓને અસર થતાં તેમને અન્ય જગ્યાએ ખસેડાયા હતા. આગને લઈ કોઈ જાનહાનિ થઈ નથી. ક્યાં કારણસર આગ લાગી હતી તેની યોગ્ય તપાસ કરી પગલાં લઈશું.

Share This Article