બોલીવૂડના લોકપ્રિય અભિનેતા ગોવિંદાની તબિયત અચાનક બગડતા તેમને મુંબઈના જુહૂ વિસ્તારમાં આવેલી ક્રિટીકેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ગોવિંદાના સહયોગી અને લીગલ એડવાઇઝર લલિત બિંદલે આ સમાચારની પુષ્ટિ કરી છે.
મળતી માહિતી મુજબ, મંગળવારે સાંજે (11 નવેમ્બર 2025) ગોવિંદા પોતાના ઘરે અચાનક બેહોશ થઈ પડ્યા હતા. શરૂઆતમાં ડોક્ટરની સલાહ અનુસાર તેમને દવાઓ આપવામાં આવી હતી, પરંતુ તેમની તબિયતમાં સુધારો ન થતા રાત્રે આશરે એક વાગ્યે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
ડૉ. દીપક નામજોસી, જે ક્રિટીકેર હોસ્પિટલ સાથે જોડાયેલા છે, તેમણે જણાવ્યું કે ગોવિંદાની હાલત હાલ સ્થિર છે અને તેઓ હોસ્પિટલના રૂમમાં આરામ કરી રહ્યા છે. ડૉક્ટરે કહ્યું કે તમામ મેડિકલ ટેસ્ટના રિપોર્ટ્સ હજી આવ્યા નથી, પરંતુ પ્રાથમિક તારણ મુજબ ચિંતા કરવાની કોઈ જરૂર નથી.
ગોવિંદાના સચિવ શશિ સિન્હાે જણાવ્યું કે અભિનેતાને મંગળવારના દિવસ દરમિયાન અસહજતા અને ચક્કર જેવું લાગતું હતું. ડૉક્ટરની સલાહ અનુસાર તેમણે તમામ જરૂરી ચેક-અપ માટે હોસ્પિટલમાં દાખલ થવાનો નિર્ણય કર્યો હતો.