ઠંડી વધવાની સાથે જ રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને NCR વિસ્તારમાં વાયુ પ્રદુષણનું સ્તર ખુબજ વધી જતું હોય છે. આજે સવારે દિલ્હીમાં તાપમાન 11.6 ડિગ્રી સેલ્સિયસ સુધી ગગડ્યું હતું અને ગાઢ ધુમ્મસ છવાયેલી જોવા મળી હતી. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (CPCB) અનુસાર, સોમવારે સવારે 6 વાગ્યે શહેરમાં એકંદર AQI 346 હતો, જે “ખૂબ જ ખરાબ” શ્રેણીમાં આવે છે. ગઈ કાલે સાંજે દિલ્હીવાસીઓ વધતા પ્રદુષણ સામે વિરોધ પ્રદર્શન કરવા નીકળી પડ્યા હતાં.
ગઈ કાલે રવિવારે સાંજે 5 વાગ્યે ઈન્ડિયા ગેટ પાસે લોકો ક્લાઈમેટ એક્ટીવીસ્ટ, રાજકીય નેતાઓ અને નાગરિકો શહેરમાં વધી રહેલા વાયુ પ્રદુષણના સ્તર સામે વિરોધ દર્શાવવ એકઠા થવા લાગ્યા હતા. રખડતા શ્વાનો અંગે સુપ્રીમ કોર્ટના ચુકાદા સામે અસંમતિ દર્શાવવા માટે એનિમલ રાઈટ્સ એક્ટીવીસ્ટ પણ આ વિરોધ પ્રદર્શન જોડાયા હતાં.
દિલ્હી પોલીસે કહ્યું હતું કે લોકો પોલીસની પરવાનગી વિના એકઠા થયા હતા, મોટા પાયે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પ્રદર્શનકારીઓએ દાવો કર્યો હતો કે પોલીસે તેમને ધમકી આપી હતી. લોકોએ દિલ્હી પ્રદેશ સરકાર અને કેન્દ્ર સરકાર સામે નારા લગાવ્યા હતાં. લોકો વિવિધ સુત્રો લખેલા પ્લેકાર્ડ લઇને આવ્યા હતાં. દિલ્હી પીલીસે સંખ્યાબંધ લોકોની અટકાયત કરી હતી અને તેમને અજ્ઞાત સ્થળે લઇ ગયા હતાં.
દિલ્હી પોલીસના જણાવ્યા મુજબ આશરે 60-80 લોકોની અટકાયત કરવામાં આવી હતી. જે લોકો માનસિંહ રોડ બ્લોક કરી રહ્યા હતા તેમની જ અટકાયત કરવામાં આવી છે. માનસિંહ રોડ પર વિરોધ પ્રદર્શનની આગેવાની દિલ્હી આમ આદમી પાર્ટી (AAP)વડા સૌરભ ભારદ્વાજ કરી રહ્યા હતા. ઇન્ડિયા ગેટની પાસે વિરોધ કરી રહેલા લોકોને ત્યાંથી ખસી જવાનો નિર્દેશ આપવામાં આવ્યો અને તેમને દૂર કરવામાં આવ્યા.
દિલ્હી પ્રદુષણ વધ્યું:
એક તરફ પ્રદુષણ નામે રાજકીય આરોપ-પ્રતિઆરોપો થઇ રહ્યા છે, ત્યારે દિલ્હી વાસીઓ ઝેરી હવામાં શ્વાસ લેવા મજબુર છે. આજે સવારે દિલ્હીના મોટાભાગના મોનિટરિંગ સ્ટેશનોએ પ્રદૂષણનું સ્તર “ગંભીર” થી “ખૂબ જ ખરાબ” રેન્જમાં નોંધ્યું હતું. બાવાનામાં AQI સૌથી વધુ 412, વઝીરપુરમાં 397, જહાંગીરપુરીમાં 394 અને નેહરુ નગરમાં 386 નોંધાયું હતું.