Saturday, Nov 8, 2025

રાજ્યમાં માવઠા બાદ તાપમાન ગગડ્યું, જાણો અંબાલાલ પટેલની આગાહી

2 Min Read

ગુજરાતમાં માવઠા બાદ હવે શિયાળાની ઠંડીનો રાઉન્ડ શરૂ થયો છે. રાજ્યના અનેક સ્થળોએ તાપમાનનો પારો 20 ડી.સે.થી નીચો જતો રહ્યો હતો. છેલ્લા 24 ક્લાક દરમિયાન રાજ્યનું હવામાન સૂકું રહ્યું હતું. છેલ્લા 24 કલાકમાં નોંધાયેલું મહત્તમ તાપમાન 32.4 ડિ. સે. હતું, જે સામાન્ય કરતાં 2.1 ડિ. સે. ઓછું હતું. જ્યારે લઘુત્તમ તાપમાન 17 ડિ. સે. નોંધાયું હતું, જે સામાન્ય તાપમાન કરતાં 1.1 ડિ. સે. ઓછું રહ્યું હતું. ગુરુવારે, ગુજરાત પ્રદેશમાં રાત્રિના તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો, જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છમાં કોઈ મોટો ફેરફાર નહોતો. સમગ્ર પ્રદેશમાં તાપમાન સામાન્યથી ઓછું નોંધાયું હતું. સૌથી નીચું 16 ડિ. સે. લઘુત્તમ તાપમાન ડીસા અને નલિયા ખાતે નોંધાયું હતું.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, 18થી 24 નવેમ્બરે ફરી એક વખત માવઠું થઈ શકે છે. 16થી 18 નવેમ્બરમાં એક ચક્રવાત સર્જાશે. બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સર્જાઈ શકે છે. જ્યારે 18થી 20 નવેમ્બર દરમિયાન ચક્રવાતની અસર રહેશે. આ સાથે જ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ આવવાની શક્યતા છે. 18થી 24 દરમિયાન વાતાવરણમાં પલટો આવી શકે છે. જ્યારે 15 ડિસેમ્બર સુધીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી વરસાદની શક્યતા રહેશે. 16 ડિસેમ્બર સુધીમાં માવઠું થવાની શક્યતાઓ રહેશે. 20 ડિસેમ્બરથી ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં જાણે કે હિમચાદર થઈ ગઈ હોય તેવું જોવા મળશે. 22 ડિસેમ્બરથી કાતિલ ઠંડીને વેગ મળશે, હાડ કંપાવતી ઠંડી પડશે. 11 જાન્યુઆરીથી ઠંડા પવન ફૂંકાશે. તેમજ ઉત્તરાયણ બાદ પણ ઠંડા પવન ફૂંકાશે.

ગુજરાતના હવામાન અંગેની વાત કરીએ તો, રાજ્યમાં ઉત્તરપૂર્વથી પૂર્વ તરફના પવનો ફૂંકાઈ રહ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, આગામી બે દિવસ દરમિયાન ધીમે ધીમે બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાશે. ત્યારબાદ આ લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. વરસાદ અંગેની આગાહી કરતા હવામાન વિભાગે જણાવ્યું છે કે, સૌરાષ્ટ્ર સહિત આખા ગુજરાતમાં વાતાવરણ શુષ્ક રહેવાની સંભાવના છે. આ સાથે દીવ અને દમણ દાદરા નગર હવેલી પણ વાતાવરણ શુષ્ક રહેશે. ક્યાંય પણ ભારે વરસાદની આગાહી આપવામાં આવી નથી.

Share This Article