Saturday, Nov 8, 2025

બિહારમાં GRP-RPFની મોટી કાર્યવાહી, વૈશાલી એક્સપ્રેસમાંથી એક કરોડ રૂ. સાથે ઝડપાયો વ્યક્તિ

2 Min Read

બિહારમાં વિધાનસભા ચૂંટણીનો માહોલ જામ્યો છે. આ ચૂંટણીનું મતદાન બે તબક્કામાં યોજાયું છે. જેનો પહેલો તબક્કો પૂર્ણ થઈ ચૂક્યો છે. આ વચ્ચે સુરક્ષા એજન્સીઓએ કાળા નાણા સાથે એક વ્યક્તીને ઝડપી પાડ્યો છે. ગુરુવારે મધરાતે ગોરખપુર રેલવે સ્ટેશ પર એક યુવકના બેગમાંથી પૂરા એક કરોડ રૂપિયાની રોકડ ઝડપી પાડવામાં આવ્યા છે. આ રકમ બિહારના મોકામા પહોંચાડવાની તૈયારી હતી.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે જીઆરપી અને આરપીએફની સંયુક્ત ટીમ વૈશાલી એક્સપ્રેસના એસી કોચમાં ચેકિંગ કરી રહી હતી. તપાસ દરમિયાન એક શંકાસ્પદ વ્યક્તિની ઊંડાણ પૂર્વક તપાસ કરવામાં આવી. યુવકનું બેગ ચેક કરતા, તેમાંથી મોટી સંખ્યામાં બેનામી રૂપિયા બરમત થયા હતા. એક કરોડ બેનામી રૂપિયા ધરાવતા આ યુવકે પોતાનું નામ મુકુંદ માધવ, વતની મોકામા (પટના) જણાવ્યું.

મુકુંદે કહ્યું કે “કોઈ ઓળખીતાના કહેવાથી લઈ જઈ રહ્યો હતો”, પણ પૈસા ક્યાંથી આવ્યા અને કોને આપવાના હતા એનો કોઈ જવાબ ન આપી શક્યો. પોલીસને શંકા છે કે આ હવાલા માર્ગે ચૂંટણીમાં વાપરવા માટેની રકમ હતી. રેલવે સીઓ વિનોદકુમાર સિંહે જણાવ્યું કે રોકડ જપ્ત કરી લેવામાં આવી છે અને આવકવેરા વિભાગને જાણ કરાઈ ગઈ છે.

સવાલ એ થાય કે આ પૈસા કોણ મોકલી રહ્યું હતું અને કોના ખાતામાં જમા થવાના હતા? જે દિશામાં આવકવેરા વિભાગની ટીમ અને ખુફિયા એજન્સીઓએ તપાસ હાથ ધરી છે. મુકુંદનો મોબાઈલ, કોલ રેકોર્ડ અને સંપર્કોની ઊંડાણપૂર્વક ચકાસણી ચાલુ છે. ગોરખપુર જીઆરપીની આ કાર્યવાહીએ ચૂંટણી પહેલા કાળા નાણાંના પ્રવાહ પર મોટી અસર કરી છે.

Share This Article