છત્તીસગઢના બિલાસપુરમાં મંગળવારે મોટી ટ્રેન દુર્ઘટના ઘટી હતી, જેમાં 12 લોકોના મોત અને 20 જણને ગંભીર ઈજા પહોંચી હતી. કોરબાથી બિલાસપુર જઈ રહેલી (મેઈનલાઈન ઈલેક્ટ્રિક મલ્ટિપલ યુનિટ-MEMU) ટ્રેને ગૂડ્સ ટ્રેનને જોરદાર ટક્કર મારી હતી, જેને લઈ અનેક સવાલો કરવામાં આવ્યા છે. ગતોરા રેલવે સ્ટેશન નજીકના અકસ્માતને લઈ ઉચ્ચ સ્તરીય ધોરણે તપાસ હાથ ધરવામાં આવી છે.
પ્રાથમિક તબક્કાની તપાસમાં જાણવા મળ્યું છે કે પેસેન્જર ટ્રેનના લોકો પાઈલટને એક નહીં, પરંતુ ત્રણ વખત સિગ્નલને ઈગ્નોર કર્યું હતું જેને કારણે એ જ ટ્રેક પરની ગૂડ્સ ટ્રેનને ટકરાઈ હતી. ટક્કર એટલી ભયાનક હતી મેમૂ પેસેન્જર ટ્રેન ગૂડ્સ ટ્રેન પર ચઢી ગઈ હતી.
સિગ્નલની અવગણના કરવાનું પડ્યું ભારે
અકસ્માત અંગેના પ્રાથમિક રિપોર્ટમાં જણાવ્યું છે કે મેમુ ટ્રેન જ્યારે ગતોરા રેલવે સ્ટેશનથી નીકળી ત્યારે સ્પીડ કલાકના 76 કિલોમીટરની હતી. ટ્રેનના લોકો પાઈલટે ટ્રેક પરના ડબલ યલો અને સિંગલ યલો સિગ્નલને નજરઅંદાજ કર્યું હતું. આ બંને સિગ્નલના સંકેત છે કે સ્પીડને ઘટાડવાની રહે છે, પરંતુ તેની અવગણના કરી હતી.
મહિલા પૂર્વે લોકો પાઈલટને મળ્યું પ્રમોશન
તપાસકર્તાઓએ જણાવ્યું છે કે ટક્કર પછી પહેલા રેડ સિગ્નલ આપ્યું હતું, પરંતુ ટ્રેન રોકાઈ નહોતી. ગૂડ્સ ટ્રેન સાથે પેસેન્જર ટ્રેન ટકરાઈ હતી, ત્યારે સ્પીડ કલાકના પચાસ કિલોમીટરની હતી. સૂત્રોએ જણાવ્યું છે કે મેમૂ ટ્રેનના લોકો પાઈલટ વિદ્યાસાગરને એક મહિના પૂર્વે પ્રમોટ કરવામાં આવ્યો હતો. પ્રમોશન આપીને લોકો પાઈલટને પેસેન્જર ટ્રેન ચલાવવાની જવાબદારી સોંપવામાં આવી હતી.
અકસ્માતમાં લોકો પાઈલટનું મોત આસિસ્ટંટ ઈજાગ્રસ્ત
અકસ્માતના સ્થળ નજીક ટર્નિંગ નજીક લોકો પાઈલટે અન્ય લાઈનના સિગ્નલને પોતાની ટ્રેન માટે સમજી લીધા હોવા જોઈએ, પરિણામે અકસ્માત થયો હોઈ શકે છે, એમ અધિકારીએ શક્યતા વ્યક્ત કરી હતી.
આ અકસ્માતમાં લોકો પાઈલટનું મોત થયું હતું, જ્યારે આસિસ્ટંટ લોકો પાઈલટને ગંભીર ઈજા પહોંચી હતી. આજે આ અકસ્માત મુદ્દે વિગતવાર તપાસ હાથ ધરવામાં આવી છે, જ્યારે રેલવે કમિશનરના નેતૃત્વમાં પાંચ સભ્યની ટીમ ડીઆરએમ કચેરીને રિપોર્ટ સોંપશે. રેલવેએ અત્યાર સુધીમાં 19 રેલ કર્મચારી સહિત અધિકારીઓની પૂછપરછ કરી છે.