સુરત દુષ્કર્મ કેસના આરોપી આસારામને ગુજરાત હાઇકોર્ટે હૃદય સંબંધિત બીમારીની સારવાર માટે 6 મહિનાના વચગાળાના જામીન મંજૂર કર્યા છે. કોર્ટે આ નિર્ણય રાજસ્થાન હાઇકોર્ટ દ્વારા અન્ય એક કેસમાં અપાયેલા જામીનને ધ્યાનમાં રાખીને આપ્યો છે.
આસારામના વકીલની દલીલ
આસારામ વતી કોર્ટમાં એવી રજૂઆત કરવામાં આવી હતી કે, જોધપુર કોર્ટે 86 વર્ષના આસારામને તેની ગંભીર હૃદય સંબંધિત બીમારીના આધારે 6 મહિના માટે જામીન આપ્યા છે. બીમાર હોવાથી તેને સારવાર મેળવવાનો બંધારણીય હક છે.
ગુજરાત હાઇકોર્ટનો નિર્ણય
ગુજરાત હાઇકોર્ટે સ્પષ્ટતા કરી કે, આસારામની મેડિકલ પરિસ્થિતિને આધારે રાજસ્થાન હાઇકોર્ટે તેમને જામીન આપ્યા હોવાથી, ગુજરાત હાઇકોર્ટ તે નિર્ણયથી અલગ વલણ (Different Stand) લઈ શકે નહીં. જો 6 મહિનામાં આસારામની મુખ્ય અપીલની સુનાવણી આગળ નહીં વધે, તો તે ફરીથી જામીન અરજી મૂકી શકશે.
સરકાર અને પીડિતાના વકીલની દલીલ
સરકારે કોર્ટમાં જણાવ્યું કે, જો આસારામને જોધપુર જેલમાં પૂરતી મેડિકલ સવલતો ન મળતી હોય, તો તેને સાબરમતી જેલમાં ટ્રાન્સફર કરી શકાય છે. આ સિવાય પીડિતાના વકીલે જામીનનો વિરોધ કરતાં કહ્યું કે, આવી પરિસ્થિતિમાં પણ આસારામ ભૂતકાળમાં અમદાવાદ, જોધપુર, ઇન્દોર વગેરે જગ્યાએ ફરતો હતો અને કોઈ હોસ્પિટલમાં લાંબા સમય સુધી સારવાર લીધી નહોતી. કોર્ટે આ તમામ દલીલોને ધ્યાનમાં રાખીને, રાજસ્થાન હાઇકોર્ટના નિર્ણયના આધારે, 6 મહિનાના વચગાળાના જામીન મંજૂર કર્યા છે.