- ભાજપના પોતીકા ‘યાદવો’ અને વિપક્ષો ખેડૂતોના અસંતોષને ભડકાવવામાં સફળ રહેશે તો સરકાર માટે ટકવું ભારે પડી શકે
- બરબાદીની કગાર નજીક ઊભેલા ખેડૂતોને સહાય કરવી જ હોય તો વિલંબ કરવાની જરૂર નથી, કુદરતના મારનો ભોગ બનેલા ખેડૂતોને તડપાવવાથી સરવાળે સરકારે જ નુકસાન ભોગવવું પડશે
- હવે પક્ષ પાસે ‘લાલ આંખ’ કરી શકે એવું નેતૃત્વ પણ નથી; ૨૦૦૧માં ભૂકંપ વખતે કેશુબાપાને કોઈપણ વાંક ગુના વગર ગાદીએથી ઉઠાડી મુકવામાં આવ્યા હતા અને છેવટ સુધી કેશુબાપા પૂછતા હતા ‘મારો વાંક શું હતો?’
કમોસમી વરસાદ અને રાજ્યભરમાં ખેડૂતોની પાયમાલીએ ભૂપેન્દ્ર પટેલની સરકારને હચમચાવી મૂકી છે. રાજ્યના પ્રત્યેક ખૂણામાંથી રાજ્યની સરકાર સામે આશાની મીટ મંડાઈ રહી છે. લાખો ખેડૂત પરિવારો, ખેતમજૂરો અને ખેતી આધારિત વ્યવસાય સાથે સંકળાયેલા લોકોની આંખોમાંથી ચિંતાનું દર્દ વહી રહ્યું છે.
ગુજરાતમાં ભૂતકાળમાં અનેક વાવાઝોડાં આવ્યાં, સેંકડો મકાનો, ખેતરો અને ઊભા ઝાડ ધરમૂળથી ઊખડી ગયા પરંતુ આ વર્ષે લંબાયેલું ચોમાસુ અને કમોસમી વરસાદની ઘટના કદાચ ગુજરાતના ઇતિહાસમાં બનવા પામી હોવાનું યાદ નથી.
કુદરતી આફતના સમયે સરકારે બનાવેલા નિયમો મુજબ સહાય કરવામાં આવે તો ખેડૂતોની બરબાદી રોકવાનું શક્ય નથી. સરકારના લાગણીશૂન્ય નિયમ મુજબ સહાય ચૂકવવામાં આવે તો ખેડૂત પરિવારને ઝેર ખાવા જેટલી પણ સહાય મળે નહીં. નિયમ મુજબ વધુમાં વધુ બે હેક્ટર અને પ્રત્યેક હેક્ટર દીઠ ૧૨ હજાર એટલે કે કુદરતી આફતનો ભોગ બનેલા ખેડૂતને વધુમાં વધુ રૂપિયા ૨૭ હજારની સહાય મળે!! હવે આ રકમ લઈને પણ બિચારો ખેડૂત શું કરે? હમણાં થોડા દિવસ પહેલા વ્યાજની રકમ ચૂકવવાની ચિંતામાં એક યુવાન ખેડૂતે આપઘાત કરી લીધો હતો. આવા યુવાન ખેડૂત જેવા અનેક ગરીબ, મધ્યમવર્ગી ખેડૂત કદાચ જીવન ટુંકાવવાનો વિચાર કરી રહ્યા હશે. કારણ, આ વખતે કુદરતે વેરેલા વિનાશની સ્થિતિનો તાગ મેળવવાના વિચારમાત્રથી ફફડી જવાય એવી હાલત છે!
આખા ને આખાં ખેતરો પાણીનાં તળાવ બની ગયાં છે. ઘણા ખેડૂતોએ તો પાક લેવાની તૈયારી કરી રાખી હતી, પરંતુ નજર સામે તૈયાર પાક પણ પાણીમાં ડૂબીને સડી ગયો! ખેડૂતો ઠીક, જાનવરોનું પેટ ભરી શકાય એટલો ઘાસચારો પણ હાથમાં રહ્યો નથી. આવી વિકટ સ્થિતિમાં લોકોની નજર સરકાર તરફ હોય એ સ્વાભાવિક છે. પરંતુ વાસ્તવિકતા નજર સામે હોવા છતાં સરકાર મોં ફાડીને ખેડૂતોને દિલથી સહાય કરવાની જાહેરાત કરતી નથી. માત્ર નુકસાનીના સરવેના નામે ખેડૂતોને સધિયારો આપવામાં આવી રહ્યો છે. ભાવનગર જિલ્લામાં કૃષિમંત્રી જીતુ વાઘાણી, સુરત જિલ્લામાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને સૌરાષ્ટ્રના કેટલાક પ્રદેશોમાં અર્જુન મોઢવડિયા જેવા મંત્રીઓ ખેડૂતોની વચ્ચે અને ખેતરોમાં આંટાફેરા મારી રહ્યા છે, પરંતુ સરકાર ક્યારે અને કેટલી માત્રામાં અને કેવા પ્રકારની જાહેરાત કરશે એની કોઈ જ ખાતરી આપતા નથી. બીજી તરફ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના લોકો સરકારને ભીંસમાં લેવા ખેડૂતોના મુદ્દે વિરોધપ્રદર્શનો કરી રહ્યા છે.
ભાજપના સ્વભાવ મુજબ વિપક્ષના વિરોધને પગલે સમગ્ર પ્રકરણને રાજકીય પ્રતિષ્ઠાનો મુદ્દો બનાવવામાં આવશે તો બે પાડાની લડાઈમાં ‘ઝાડનો ખો’ નીકળી જશે. વિપક્ષના લોકોના વિરોધને લક્ષમાં લેવાનું સરકારને કદાચ ભારે પણ પડી શકે. વિપક્ષ વિરોધ કરે છે એટલે ખેડૂતોને આગળ વધીને સહાય કરવી નથી. એવો વિચાર તો ઠીક વાત કરવાનું પણ સરકાર માટે મુશ્કેલી પેદા કરી શકે. કારણ, પાછલા કેટલાક સમયથી ખુદ ભાજપની છાવણીમાં શાંતિ નથી. રાજ્યનાં કોઈક ને કોઈક ખૂણામાંથી પક્ષમાંથી અશાંતિના પરપોટા ફૂટી રહ્યા છે. ઘણી જગ્યાએ પોતીકા પક્ષના હોદ્દેદારો સામે બળવા પણ થઈ ચૂક્યા છે. આ બધાથી રાજ્ય સરકારનું શીર્ષ નેતૃત્વ સાવ અંધારામાં નથી જ, પરંતુ નિર્ણય લેવાની કે ટોચના નેતૃત્વને વાસ્તવિકતા દર્શાવવાની હિંમત નથી. રાજકોટ, ભાવનગર, અમરેલી, જુનાગઢ, કચ્છ સહિતના પ્રદેશોમાં ભાજપના પોતીકા લોકો જ સરકાર અને નેતૃત્વ સામે ‘ઉંબાિડયા’ કરી રહ્યાં છે. આ ‘ઉંબાડિયા’ને નજરઅંદાજ કરવામાં આવશે તો આગળ જતા મોટી રાજકીય આગ પણ ભડકી શકે. વળી હવે ગુજરાત ભાજપ પાસે ‘લાલ આંખ’ કરી શકે એવું સક્ષમ નેતૃત્વ પણ નથી.
ખેર, કુદરતી આફતો ઘણી વખત રાજકીય શાસન ઉથલાવવા માટે પણ નિમિત્ત બનતી હોય છે. વર્ષ ૨૦૦૧નો કચ્છનો ભૂકંપ ‘કેશુબાપા’ના ઇશારે આવ્યો નહોતો. તેમ છતાં ભૂકંપનો સામનો કરવામાં કેશુબાપા નિષ્ફળ રહ્યા હતા, એવા કારણો આપીને મુખ્યમંત્રી પદેથી હાંકી કાઢવામાં આવ્યા હતા. કેશુબાપાએ પોતે ‘વાંક’ (દોષ) જાણવા માટે લાખ સવાલ કર્યા હતા. પરંતુ ભાજપના નેતૃત્વએ તેમની એક વાત પણ સાંભળી નહોતી અને કેશુબાપા મૃત્યુ પામ્યા ત્યાં સુધી પૂછતા રહ્યા હતા કે ‘મારો વાંક શું હતો?’ અને આજે પણ તેમનો આત્મા જ્યાં હશે ત્યાં સવાલ કરતો હશે કે ‘મારો વાંક શું હતો?’ગુજરાતની વર્તમાન હાલત પણ ૨૦૦૧ના વર્ષના ભીષણ ભૂકંપ જેવી જ કહી શકાય! ત્યારે સેંકડો લોકો, જાનવરો કાટમાળમાં દફન થઈ ગયા હતા. અનેક પરિવારો, બાળકો નિરાધાર થઈ ગયા હતા. આજે લગભગ ૨૫ વર્ષ એટલે અઢી દાયકા પછી પણ કચ્છના ભૂકંપ પીડિતો ઘટનાની યાદ આવતા ચિત્કારી ઊઠતા હશે.
વર્ષ ૨૦૨૫ની કમોસમી વરસાદી હોનારતમાં સેંકડો ખેડૂત પરિવારો અને ખેતી આધારિત વ્યવસાય સાથે સંકળાયેલા લોકોની હાલત જીવતા દફન થઈ જવા જેવી છે. પરંતુ સરકાર ઇચ્છે તો સરકારી ખર્ચમાં થોડો કાપ મૂકીને પણ કમોસમી વરસાદના મારનો ભોગ બનેલા ખેડૂતોના પેટની આગ બુઝાવી શકે તેમ છે. પરંતુ સરકારની તિજોરીમાં કોઈ ખોટ છે તો માત્ર ‘દાનત’ની. સરકાર ‘દાનત’ને વળગી રહેશે તો એક વખત ખેડૂત આલમની નજરમાંથી ઊતરી ગયેલી સરકારને ફરી ગાદીએ પહોંચાડવાનું ભારે પડી જશે. ખેડૂતોનો ‘આર્તનાદ’ અને વિપક્ષને મળતી જતી તક-સરકારને ગાદીએથી ઉઠાડી મૂકતા વાર નહીં લાગે.