અમેરિકાના રાજ્ય ફ્લોરિડાના ગવર્નર રૉન ડીસેન્ટિસએ રાજ્યની યુનિવર્સિટીઓમાં H-1B વિઝા પર પ્રતિબંધ મૂક્યો છે. તેમણે યુનિવર્સિટીઓને આદેશ આપ્યો છે કે વિદેશી કર્મચારીઓને બદલે અમેરિકનોને નોકરી પર રાખે. તેમજ ગવર્નરે વિઝાના ખોટા ઉપયોગને ટાળવા અને ટેક્સપેયરના પૈસાથી મળતી નોકરીઓ માટે સ્થાનિક ગ્રેજ્યુએટ્સને પ્રાથમિકતા આપવા અપીલ કરી છે.
મીડિયા રિપોર્ટ્સ મુજબ ફ્લોરિડાના ગવર્નર રૉન ડીસેન્ટિસે 29 ઓક્ટોબરના રોજ જાહેરાત કરી કે રાજ્યની યુનિવર્સિટીઓને હવે H-1B વિઝા ધરાવતા વિદેશી લોકોને નોકરી પર રાખવાની પરવાનગી નહીં મળે. તેમણે સંસ્થાઓને લગભગ તમામ હોદ્દાઓ પર અમેરિકન નાગરિકો અને ફ્લોરિડાના રહેવાસીઓને પ્રાથમિકતા આપવાનો નિર્દેશ આપ્યો છે.
વિદેશી કર્મચારીઓ લાવવા પર સવાલ
ફ્લોરિડાના ગવર્નર રૉન ડીસેન્ટિસે કહ્યું કે દેશભરની યુનિવર્સિટીઓ H-1B વિઝા પર વિદેશી કર્મચારીઓને લાવી રહી છે, તેના બદલે તેઓ કાબેલિયત ધરાવતા અને હંમેશા ઉપલબ્ધ અમેરિકનોને નોકરી પર રાખે. અમે ફ્લોરિડાની સંસ્થાઓમાં H-1Bનો દુરુપયોગ સહન નહીં કરીએ. એટલા માટે મેં ફ્લોરિડા બોર્ડ ઓફ ગવર્નર્સને આ વસ્તુને ખતમ કરવાનો નિર્દેશ આપ્યો છે.
H-1B ઓડિટ બાદ નિર્ણય
ડીસેન્ટિસે કહ્યું કે આ નિર્ણય H-1B ઓડિટ પછી આવ્યો છે. આ ઓડિટમાં જાણવા મળ્યું કે રાજ્યની કોલેજોએ ચીન અને અન્ય દેશોના લોકોને યુનિવર્સિટીમાં પ્રોફેસર અને પોલિસી સ્પીકર તરીકે નોકરી પર રાખ્યા હતા.
ગવર્નરે સવાલ કર્યો કે પબ્લિક પોલિસી પર વાત કરવા માટે ચીનથી કોઈને લાવવાની શું જરૂર છે? આપણે આ ફ્લોરિડાના લોકો અથવા અમેરિકનો સાથે કરી શકીએ છીએ. જો આપણે તેમ ન કરી શકીએ તો આપણે ખરેખર આ સ્થિતિ પર ઉંડો વિચાર કરવાની જરૂર છે.