Thursday, Oct 30, 2025

ગુજરાત નજીક ડિપ્રેશન સક્રિય, આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગનું એલર્ટ

1 Min Read

ચોમાસાની વિદાય થઇ ગઇ હોવા છતા ગુજરાતમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ગુજરાત નજીક અરબી સમુદ્રમાં સર્જાયેલું ડિપ્રેશન હજુ યથાવત્ છે. હવામાન વિભાગના ડેટા પ્રમાણે છેલ્લા છ કલાકથી આ ડિપ્રેશન સાત કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તરપૂર્વ દિશામાં આગળ વધ્યું છે. લેટેસ્ટ સ્થિતિ પ્રમાણે તે વેરાવળના દરિયાકિનારાથી 480 કિમી અને મુંબઈથી 530 કિમીના અંતરે હતું. ગોવાના પણજીથી આ ડિપ્રેશન પશ્ચિમ-ઉત્તરમાં 630 કિમી દૂર અને લક્ષદ્વીપથી 840 કિમીના અંતરે આવેલું છે.

આ દરમિયાન ઉત્તરપૂર્વ રાજસ્થાન અને પડોશના વિસ્તારમાં સમુદ્રની સપાટીથી 3.1 કિમીથી 4.5 કિમીની ઊંચાઈ વચ્ચે એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની રચના થઈ છે. હવામાન વિભાગે પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી છે.

હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુરુવારને 30 ઓક્ટોબરે વરસાદની તીવ્રતા વધતી જોવા મળી રહી છે. પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. જ્યારે દેવભૂમિ દ્વારકા, રાજકોટ, બોટાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરુચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં યલ્લો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી છે.

શુક્રવારે 31 ઓક્ટોબરે પણ સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ઓરેન્જ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.

Share This Article