ભારતીય ટીમ હાલમાં ઓસ્ટ્રેલિયા સામે પાંચ મેચની T201 શ્રેણી રમવા માટે ઉત્સુક છે. આ શ્રેણી 29 ઓક્ટોબરથી શરૂ થવાની છે. આ અગાઉ, આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC)ના ભૂતપૂર્વ મેચ રેફરીએ ભારતીય ટીમ પર ગંભીર આરોપ લગાવ્યો છે. એક ઈન્ટરવ્યૂ દરમિયાન તેમણે ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીને લઈને પણ મોટો ખુલાસો કર્યો છે.
ભૂતપૂર્વ ICC મેચ રેફરી ક્રિસ બ્રોડે તાજેતરમાં એક ઈન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો હતો કે મેચ રેફરી તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન, તેમને એક ફોન આવ્યો હતો જેમાં તેમને નરમી દાખવવા અને ભારત સામે ધીમા ઓવર રેટ માટે પેનલ્ટી ટાળવા માટે કહેવામાં આવ્યું હતું. જોકે, તેમણે એ જાહેર કર્યું નથી કે તેમને કોણે ફોન કર્યો હતો. ક્રિસ બ્રોડને યાદ નથી કે તે કઈ મેચ હતી અથવા તે મેચમાં કઈ ટીમ ભારત સામે રમી રહી હતી.
ધ ટેલિગ્રાફને આપેલા એક ઈન્ટરવ્યૂમાં ક્રિસ બ્રોડે જણાવ્યુ કે, ‘ભારત મેચના અંતે 3-4 ઓવર પાછળ હતું, એટલે પેનલ્ટી જરૂરી હતી. મને એક ફોન આવ્યો કે, ‘નરમી રાખો, થોડો સમય લો કારણ કે આ ભારત છે.’ એટલે અમારે થોડો સમય કાઢવો પડ્યો અને ઓવર-રેટને મર્યાદા સુધી લાવવો પડયો.’ ભૂતપૂર્વ મેચ રેફરીએ વધુમાં જણાવ્યું કે, ‘આગલી મેચમાં પણ આવું જ થયું. તત્કાલીન ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીએ મારી વાત ન સાંભળી તો મેં ફોન કરીને પૂછ્યું, ‘તમે હવે શું કરવા માગો છો? અને મને કહેવામાં આવ્યું,’બસ તેમની સાથે જ કરો.’