બિહારની ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે, ત્યારે જન સુરાજ પાર્ટીના સ્થાપક પ્રશાંત કિશોર પણ બિહારની વિધાનસભા ચૂંટણીમાં પૂરા જોર સાથે રાજકીય જમીન મેળવવા માટેના પ્રયાસ કરી રહ્યા છે. તેમની પાર્ટી બિહાર ચૂંટણીના જંગમાં 243 વિધાનસભા બેઠક પર ઉમેદવાર ઉતાર્યા છે. પરંતુ આ દરમિયાન, એક નવો વિવાદ ઉભો થયો છે, પ્રશાંત કિશોર બે રાજ્યોમાં મતદાર હોવાનું બહાર આવ્યું છે. તેમનું નામ બિહાર અને પશ્ચિમ બંગાળ બંનેની મતદાર યાદીમાં નોંધાયેલું છે.
અહેવાલો અનુસાર, પશ્ચિમ બંગાળની મતદાર યાદીમાં પ્રશાંત કિશોરનું સરનામું ૧૨૧ કાલીઘાટ રોડ, કોલકાતા તરીકે નોંધાયેલું છે. આ સ્થાન ભવાનીપુરમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC)નું મુખ્ય મથક છે. પ્રશાંત કિશોરે ૨૦૨૧ની પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી માટે મમતા બેનર્જીની ચૂંટણી રણનીતિ બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. તે સમયે તેઓ TMC માટે રાજકીય સલાહકાર તરીકે કામ કરતા હતા.
મીડિયા અહેવાલ અનુસાર, પ્રશાંત કિશોરનું નામ બિહારના સાસારામ સંસદીય મતવિસ્તાર હેઠળ નોંધાયેલું છે. તેમનું મતદાન મથક મધ્ય વિદ્યાલય, કોનાર છે, જે તેમનું પૈતૃક ગામ પણ માનવામાં આવે છે. દરમિયાન, પશ્ચિમ બંગાળમાં, તેમનું મતદાન મથક સેન્ટ હેલેન્સ સ્કૂલ, રાણી શંકરી લેન તરીકે નોંધાયેલું છે.
ઉલેખનીય છે કે, લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, ૧૯૫૦ ની કલમ ૧૭ હેઠળ, કોઈ પણ વ્યક્તિ એક કરતાં વધુ મતવિસ્તારમાં નોંધણી કરાવી શકતી નથી.કલમ ૧૮ જણાવે છે કે કોઈ પણ મતદારનું નામ એક કરતાં વધુ મતદાર યાદીમાં નોંધાયેલ હોવું જોઈએ નહીં. જો કોઈ વ્યક્તિ પોતાનો મતવિસ્તાર બદલે છે, તો તેણે ફોર્મ ૮ ભરીને પોતાનું નામ નવા મતવિસ્તારમાં ટ્રાન્સફર કરવું પડશે.