મંગળવારે બપોરે દિલ્હી એરપોર્ટના ટર્મિનલ 3 પર એર ઇન્ડિયાના વિમાનથી થોડા મીટર દૂર પાર્ક કરેલી બસમાં અચાનક આગ લાગી ગઈ. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બસ એર ઇન્ડિયા SATS એરપોર્ટ સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડની હતી, જે ઘણી એરલાઇન્સ માટે ગ્રાઉન્ડ સર્વિસીસ પૂરી પાડે છે.
આગ લાગી ત્યારે બસમાં કોઈ મુસાફરો નહોતા. આ ઘટનામાં કોઈ ઘાયલ થયું છે કે નહીં તે હાલમાં સ્પષ્ટ નથી. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરાયેલા એક વીડિયોમાં બસ સંપૂર્ણપણે આગમાં લપેટાયેલી જોવા મળે છે. ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો. તપાસ ચાલી રહી છે.
દિલ્લી એરપોર્ટ મેનેજમેન્ટે પણ આ બનાવ બાદ નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે, “બપોરે આશરે 12 વાગ્યે ગ્રાઉન્ડ હેન્ડલિંગ કંપનીની બસમાં અચાનક આગ લાગી હતી. એરપોર્ટની ફાયર ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી અને થોડા જ મિનિટોમાં આગ પર કાબૂ મેળવી લીધો. તે સમયે બસ પાર્ક કરેલી હતી અને તેમાં કોઈ મુસાફર નહોતો. બધા ફ્લાઇટ ઓપરેશન્સ સામાન્ય રીતે ચાલુ છે.”
આ પહેલાં 11 સપ્ટેમ્બરના રોજ દિલ્હીથી કાઠમંડુ જતી સ્પાઈસજેટની ફ્લાઈટ SG041ના વિમાનના પાછળના ભાગમાં આગ લાગી હતી. આ અંગે બીજા વિમાનના પાઇલટે કંટ્રોલ ટાવરને જાણ કરી હતી. આ ઘટના ત્યારે બની હતી જ્યારે વિમાન ટેક-ઓફ માટે રનવે પર તૈયાર થઈ રહ્યું હતું. કાઠમંડુ જતી આ સ્પાઈસજેટ ફ્લાઈટમાં 100થી વધુ મુસાફરો સવાર હતા. વિમાનને સવારના 8:10 વાગ્યે ઉડાન ભરવાની હતી અને 9:55 વાગ્યે કાઠમંડુ પહોંચવાનું હતું, પરંતુ ટેલ પાઇપ (ઇન્જિનનો પાછળનો ભાગ)માં આગ લાગવાના કારણે ફ્લાઈટને બપોરે 3 વાગ્યે ઉડાન ભરવી પડી હતી. એરલાઇનના જણાવ્યા મુજબ, આગની જાણ થતાં જ તમામ મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા અને કોઈને ઇજા થઈ નથી. ટેલ પાઇપ એ ઇન્જિનનો પાછળનો ભાગ હોય છે, જ્યાંથી ગરમ હવા અને ધુમાડો બહાર આવે છે.