દેશભરમાં SIR પ્રક્રિયા હાથ ધરવા માટે ચૂંટણી પંચ દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. ચૂંટણી પંચે રાજધાની દિલ્હીમાં એક પ્રેસ કોન્ફરન્સ યોજીને મહત્ત્વની જાહેરાત કરી છે. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે કહ્યું છે કે, બિહારની જેમ દેશના અન્ય 12 રાજ્યમાં સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (SIR)નો બીજો તબક્કો શરૂ કરાશે.
દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતા મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે કહ્યું કે, ‘આજે અમે અહીં SIRના બીજા તબક્કાની શરૂઆતની જાહેરાત માટે આવ્યા છીએ. 12 રાજ્યોની મતદાર યાદીના SIRનો બીજો તબક્કો શરૂ કરાઈ રહ્યો છે. આ પ્રક્રિયા હેઠળ તમામ રાજ્યમાં મતદાર યાદીમાં નવા નામ ઉમેરવાનું, કાઢવાનું અને અન્ય ખામીઓ સુધારવાનું કામ કરાશે. હું બિહારના 7.5 કરોડ મતદારોને નમન કરું છું, જેમણે આ પ્રક્રિયામાં સક્રિય ભાગીદારી નિભાવી અને તેને સફળ બનાવી.’
મતદાન મથકોની સંખ્યામાં પણ ફેરફાર થશે.
ચૂંટણી કમિશનરે સ્પષ્ટતા કરી હતી કે હવે કોઈપણ મતદાન મથકમાં 1,000 થી વધુ મતદારો હોઈ શકે નહીં. પરિણામે, ખાસ સઘન સુધારા પછી મતદાન મથકોની સંખ્યામાં પણ ફેરફાર થશે, જેથી ક્યાંય મતદારોની ભીડ ન થાય.
પ્રક્રિયા શું છે?
- SIR પ્રક્રિયા ત્રણ તબક્કામાં હાથ ધરવામાં આવશે. પ્રથમ તબક્કામાં, મતદારોના નામ 2003 ની મતદાર યાદી સાથે જોડવામાં આવશે. મતદારોએ ફક્ત 2003 ની મતદાર યાદીમાં તેમનું અથવા તેમના માતાપિતાનું નામ ક્યાં હતું તે દર્શાવવાની જરૂર છે.
- જેમના નામ 2003 ની મતદાર યાદીમાં જોડાયેલા ન હતા તેમને બીજા તબક્કામાં ઉમેરવામાં આવશે. આ તબક્કામાં, ચૂંટણી પંચ એવા લોકોને નોટિસ જારી કરશે જેમના નામ લિંક થયેલા ન હતા. મતદારોએ સંબંધિત દસ્તાવેજો પ્રદાન કરવા જરૂરી રહેશે. આધાર કાર્ડ પણ સ્વીકારવામાં આવશે. તેમણે 2003 માં તેમના અને તેમના માતાપિતાના સ્થાનોની વિગતો પણ આપવી જરૂરી રહેશે. આ પછી, એક કામચલાઉ યાદી બહાર પાડવામાં આવશે.
- કામચલાઉ યાદી જાહેર થયા પછી મતદારોને અપીલ કરવાનો અધિકાર રહેશે. જે લોકોના નામ બીજા તબક્કામાં પણ યાદીમાં સામેલ ન હતા તેઓ અપીલ કરી શકશે. વધુમાં, જેમના નામ કે અન્ય માહિતીમાં વિસંગતતા હશે તેઓ પણ તેમની માહિતીમાં સુધારો કરાવી શકશે.
SIR 9 રાજ્યો અને 3 કેન્દ્રશાસિત પ્રદેશોમાં યોજાશે, યાદી જુઓ
| રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો | મતદારો (લાખોમાં) |
| આંદામાન અને નિકોબાર | ૩.૧૦ |
| છત્તીસગઢ | ૨૧૨.૩૦ |
| ગોવા | ૧૧.૮૫ |
| ગુજરાત | ૫૦૮.૩૯ |
| કેરળ | ૨૭૮.૫૦ |
| લક્ષદ્વીપ | ૦.૫૮ |
| મધ્યપ્રદેશ | ૫૭૪.૦૫ |
| પુડુચેરી | ૧૦.૨૧ |
| રાજસ્થાન | ૫૪૮.૮૫ |
| તમિલનાડુ | ૬૪૧.૧૫ |
| ઉત્તર પ્રદેશ | ૧૫૪૪.૨૪ |
| પશ્ચિમ બંગાળ | ૭૬૬.૨૪ |
| કુલ | ૫૦૯૯.૪૬ (૫૧ કરોડ) |