Tuesday, Oct 28, 2025

દેશમાં રઝળતા કૂતરા મુદ્દે સુપ્રીમ કોર્ટની રાજ્યોને ફટકાર

2 Min Read

દેશભરમાં રઝળતા કૂતરાઓને મુદ્દે સુપ્રીમ કોર્ટે રાજ્યોની સરકારોને ફટકાર લગાવી હતી. આ કૂતરાઓને પકડવા, તેમની નિષ્ક્રિયતા (નસબંધી) કરવા અને તેમને છોડી મૂકવા અંગે ઓગસ્ટમાં આપવામાં આવેલા આદેશનું પાલન કરવા અંગે રાજ્યોએ સોગંદનામું રજૂ નથી કર્યું. કોર્ટે પશ્ચિમ બંગાળ, દિલ્હી અને તેલંગાણા સિવાય બાકીનાં તમામ રાજ્યોના મુખ્ય સચિવોને હાજર થવા આદેશ આપ્યો છે.

ન્યાયમૂર્તિ વિક્રમ નાથ, સંદીપ મહેતા અને એન.વી. અંજારિયાની ખંડપીઠે જણાવ્યું હતું કે જો અધિકારીઓ આગામી સુનાવણીની તારીખે હાજર નહીં રહે તો તેમના પર દંડ ફટકારવામાં આવશે અથવા કડક પગલાં લેવામાં આવશે. ન્યાયમૂર્તિ વિક્રમ નાથે કહ્યું હતું કે સોગંદનામું શા માટે રજૂ નથી કર્યું? મુખ્ય સચિવોએ સ્પષ્ટતા આપવી જોઈએ, નહીં તો દંડ ફટકારવામાં આવશે અને દંડાત્મક પગલાં લેવામાં આવશે. તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને નોટિસ જારી કરવામાં આવી છે. તમારા અધિકારીઓ અખબાર કે સોશિયલ મિડિયા વાંચતા નથી? દરેક જગ્યાએ આ બાબત અંગે સમાચાર આવ્યા છે. એક વાર માહિતી મળી જાય પછી તેમને કાર્યવાહી કરવી જ જોઈએ. બધા મુખ્ય સચિવોએ ત્રીજી નવેમ્બરે હાજર રહેવું, નહીં તો અમે ઓડિટોરિયમમાં કોર્ટની કાર્યવાહી ચલાવીશું.

દેશની છબી વિદેશોમાં ખરાબ થઈ રહી છેઃ ન્યાયમૂર્તિ વિક્રમ નાથ
કોર્ટે એ પણ ટિપ્પણી કરી કે રઝળતા કૂતરાઓ સંબંધિત ઘટનાઓ સતત બની રહી છે. ન્યાયમૂર્તિ વિક્રમ નાથે કહ્યું હતું કે આ ઘટનાઓ સતત બની રહી છે અને દેશની છબી અન્ય દેશોની નજરે ખરાબ થઈ રહી છે. અમે સમાચાર રિપોર્ટ પણ વાંચી રહ્યા છીએ.

શું હતો મામલો?
આ આખો મામલો ત્યારે ચર્ચામાં આવ્યો જ્યારે 11 ઓગસ્ટે ન્યાયમૂર્તિ જે.બી. પારડીવાળા અને ન્યાયમૂર્તિ આર. મહાદેવનની ખંડપીઠે દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓને આદેશ આપ્યો કે તેઓ તમામ વિસ્તારોમાંથી રઝળતા કૂતરાઓને પકડે અને આઠ સપ્તાહમાં ઓછામાં ઓછા 5000 કૂતરાઓની ક્ષમતા ધરાવતા શેલ્ટર હોમ બનાવે. આ આદેશ બાદ ભારે વિરોધ અને પ્રદર્શન થયાં હતાં.

Share This Article