સુરેન્દ્રનગર જિલ્લાના ગોમટા ગામમાં વાસ્તુ પ્રસંગના જમણવાર દરમિયાન ફૂડ પોઈઝનિંગની ગંભીર ઘટના સામે આવી છે. જમણવારમાં પીરસાયેલી છાશ પીધા બાદ ગામના 200થી વધુ લોકોની તબિયત અચાનક બગડી ગઈ હતી.
અસરગ્રસ્તોમાં નાના બાળકો, મહિલાઓ અને યુવકોનો સમાવેશ થાય છે. તમામને તાત્કાલિક રીતે લીંબડી અને વઢવાણની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર, કેટલાક દર્દીઓની હાલત ચિંતાજનક છે.
ઘટનાની જાણ થતાં જ સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ ગોમટા ગામે દોડી આવી હતી. આરોગ્ય વિભાગે શંકાસ્પદ છાશના નમૂનાઓ લેબોરેટરીમાં તપાસ માટે મોકલ્યા છે અને ફૂડ પોઈઝનિંગના ચોક્કસ કારણની તપાસ શરૂ કરી છે.
આ ઘટનાએ સામૂહિક જમણવારમાં પીરસાતા ખોરાકની ગુણવત્તા અને સલામતી અંગે ગંભીર સવાલો ઉભા કર્યા છે. હાલ આરોગ્ય વિભાગ પરિસ્થિતિ પર સતત દેખરેખ રાખી રહ્યું છે.