Monday, Dec 8, 2025

સુરતમાંથી ક્રાઇમ બ્રાન્ચનો PSI ઝડપાયો, મહિલા પાસેથી અઢી લાખનો કર્યો હતો તોડ

2 Min Read

સુરત શહેરની પાલ પોલીસે મહારાષ્ટ્રના કુખ્યાત અને સસ્પેન્ડ થયેલા પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (PSI) રણજીત કાસલેને ઝડપી પાડ્યો છે. આ આરોપી પર સુરતની એક મહિલા લોન એજન્ટ અને તેના સાથી પાસેથી મુંબઈ ક્રાઈમ બ્રાન્ચનો અધિકારી બનીને ₹2.26 લાખ રોકડ અને બે મોબાઈલ ફોનની લૂંટ કરવાનો ગંભીર આરોપ છે.

PSI તરીકે ઓળખ આપી લૂંટ ચલાવી
28 વર્ષીય સુજલ પાદરીયા, જે લોન કન્સલ્ટન્સીનું કામ કરે છે, તેને 14 ઓક્ટોબરે અજાણ્યા વ્યક્તિનો ફોન આવ્યો હતો. બીજા દિવસે, સુજલ SBI બેંકમાંથી ₹2.26 લાખ ઉપાડી ઇસ્કોન સર્કલ નજીક પહોંચી. ત્યાં ‘રણજીત’ નામનો વ્યક્તિ મળ્યો અને પછી પાંચ સાથીઓ સાથે કાફેમાં ઘૂસી આવ્યા. રણજીતે પોતાને મુંબઈ ક્રાઈમ બ્રાન્ચનો PSI જણાવી ID કાર્ડ બતાવી ધમકાવ્યો કે “તમે ગેરકાયદેસર કામ કરો છો.”

ત્યારબાદ તેણે સુજલના હેન્ડબેગમાંથી રોકડ અને ફોન છીનવી લીધા અને સાથી ભુપેન્દ્રભાઈને તમાચો મારી તેમનો ફોન પણ લઈ લીધો. બાદમાં બંનેને કારમાં બેસાડી અડાજણ પોલીસ સ્ટેશન લઈ જવાની વાત કરી પણ ડુમસ રોડ પાસે ઉતારી ‘થોડીવારમાં આવું છું’ કહી ફરાર થઈ ગયો.

કોઈને કહેશો તો એન્કાઉન્ટર કરી નાખીશું
રણજીતે ભુપેન્દ્રભાઈને ફોન પર ખુલ્લી ધમકી આપી કે જો કોઈને કહેશો તો એન્કાઉન્ટર કરી નાખીશું. આ ધમકીથી ડરી ગયેલા પીડિતોએ શરૂઆતમાં ફરિયાદ ન કરી, પરંતુ બાદમાં હિંમત કરીને પાલ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કર્યો.

કાફેના CCTVમાં કેદ લૂંટનાં દ્રશ્યો
પોલીસને કાફેના CCTV ફૂટેજમાંથી સ્પષ્ટ પુરાવા મળ્યા છે, જેમાં રણજીત કાસલે ધમકી આપતો અને લૂંટ ચલાવતો દેખાય છે. તે આધારે જ સુરત પોલીસે મહારાષ્ટ્રમાં તેની ધરપકડ કરી હતી.

વિવાદાસ્પદ ભૂતપૂર્વ PSI (રણજીત કાસલે )
રણજીત કાસલે એપ્રિલ 2025માં વિવાદાસ્પદ વર્તન બદલ સસ્પેન્ડ થયો હતો અને બાદમાં બરતરફ કરાયો હતો. તેના પર મહારાષ્ટ્રમાં અનેક ગુનાઓ નોંધાયેલા છે જેમાં સરપંચ હત્યા કેસમાં એન્કાઉન્ટરની યોજના, ઈવીએમ ચેડા અને લૂંટફાટના કેસોનો સમાવેશ થાય છે.

Share This Article