Sunday, Dec 7, 2025

ઉત્તર પ્રદેશની ટ્રેન પકડવા સુરત સ્ટેશન પર મુસાફરોએ 14 કલાક લાઈનમાં ઉભા રહેવું પડે છે!

2 Min Read

દિવાળી, છઠ્ઠ પૂજા અને બિહાર વિધાનસભા ચૂંટણીના કારણે સુરત શહેરમાંથી ઉત્તર પ્રદેશ અને બિહાર જવાના શ્રમિકોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. છેલ્લા એક અઠવાડિયા કરતાં વધુ સમયથી લાખો શ્રમિકો પોતાના વતન તરફ રવાના થઈ રહ્યાં છે. જેના કારણે ટ્રેનોમાં અતિશય ભીડ જોવા મળી રહી છે.

રેલવે વિભાગ દ્વારા તમામ જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ હોવાનો દાવો કરવામાં આવ્યો છે, પરંતુ વાસ્તવિક પરિસ્થિતિ તેની વિરુદ્ધ છે. સુરતના વિવિધ રેલવે સ્ટેશનો પર મુસાફરોને ટ્રેનમાં બેસવા માટે લાંબી કતારમાં ઊભા રહેવું પડી રહ્યું છે. અનેક મુસાફરોને તો પોતાની ટ્રેન પકડવા માટે 14 કલાક સુધી લાઈનમાં ઊભા રહેવું પડે છે.

સ્ટેશનની બહાર લગભગ દોઢ કિલોમીટર લાંબી લાઈન જોવા મળી રહી છે. મુસાફરોને બેસવાની જગ્યા પણ મળતી નથી. યાત્રીઓની ફરિયાદ છે કે ટ્રેન આવે છે અને જાય છે, પરંતુ તેઓ એકની એક જગ્યા પર બેઠાં રહી જાય છે. જેથી યાત્રીઓમાં હતાશાનો માહોલ છે. હજારો મુસાફરો બાળકો, મહિલાઓ સાથે હેરાન થઈ રહ્યાં છે. શૌચાલયનો પણ અભાવ હોય હજારો મુસાફરો રસ્તા પર રઝળવા મજબૂર બન્યા છે. લાઈન છોડી દે તો તેમની જગ્યા જતી રહેશે તેમ માનીને લાઈનમાં જ ભૂખ્યા-તરસ્યા બેસી રહે છે.

રેલવે વિભાગના સિનિયર ડિવિઝનલ કમર્શિયલ મેનેજર અભયસિંહ ચૌહાણે કહ્યું કે, યાત્રીઓની સુવિધા માટે પંખા, પાણી સહિતની વ્યવસ્થા ઉભી કરાઈ છે. જોકે, તેમણે સ્વીકાર્યું કે ભીડ વધારે હોવાથી તકલીફ પડી રહી છે. છતાં મેનેજમેન્ટ કરવા પ્રયાસ થઈ રહ્યાં છે. વધુમાં ઉત્તર ભારત તરફની રોજ સ્પેશ્યિલ 8 ટ્રેન દોડાવવામાં આવી રહી છે. હોલ્ડિંગ એરિયાની બહારની ભીડને એક-એક કરીને અંદર મોકલવામાં આવે છે.

Share This Article