Thursday, Oct 23, 2025

તેલંગાણામાં પછાત વર્ગ અનામત મુદ્દે ઉગ્ર પ્રદર્શન, રાજ્યવ્યાપી બંધનું એલાન

2 Min Read

તેલંગાણામાં પછાત વર્ગને 42 ટકા અનામત આપવા અંગેનો મુદ્દો હવે હિંસક સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. આ મુદ્દે આજે રાજ્યવ્યાપી બંધનું એલાન કરવામાં આવ્યું છે. સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓમાં અનામતની માંગને લઈ અનેક સ્થળોએ ઉગ્ર પ્રદર્શન અને અથડામણોની ઘટનાઓ નોંધાઈ છે. આ આંદોલનને સત્તાધારી કોંગ્રેસ ઉપરાંત વિપક્ષ બીઆરએસ અને ભાજપે પણ સમર્થન આપ્યું છે. પોલીસ અને પ્રશાસન શાંતિ જાળવવા તૈનાત કરવામાં આવ્યા છે.

તમામ ક્ષેત્રોને સહયોગ આપવા વિનંતી
આ સમિતિના પ્રમુખ અને ભાજપ ના રાજ્યસભા સાંસદ આર. કૃષ્ણૈયાએ પહેલાથી જ તમામ રાજકીય પક્ષો અને નાગરિક સમાજ સંગઠનોને બંધને ટેકો આપવા અપીલ કરી હતી. આ બંધ દરમિયાન આવશ્યક સેવાઓ પૂરી પાડતા ક્ષેત્રો સિવાય તમામ ક્ષેત્રોને સહયોગ આપવા વિનંતી કરવામાં આવી છે.

રાજય સરકારના આદેશ પર હાઈકોર્ટનો સ્ટે
ઉલ્લેખનીય છે કે, 9 ઓક્ટોબરના રોજ તેલંગાણા હાઈકોર્ટે સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીમાં પછાત વર્ગ ને 42 ટકા અનામત આપવાના રાજ્ય સરકારના આદેશ પર વચગાળાનો સ્ટે મૂક્યો હતો. જેના આ વિરોધના ભાગ રૂપે વિવિધ રાજકીય પક્ષો અને પછાત વર્ગ સંગઠનોના નેતાઓ તેલંગાણા બસ ડેપોની બહાર ધરણા કરી રહ્યા છે. તેમજ બસોને રોકવામાં આવી રહી છે.

બીઆરએસ નેતા કે. કવિતાએ પણ ધરણા કર્યા
તેલંગાણા જાગૃતિના સ્થાપક અને બીઆરએસ નેતા કે. કવિતાએ પણ ધરણા કર્યા હતા અને મીડિયાને જણાવ્યું હતું કે સરકાર અનામતના પક્ષમાં કોર્ટને મનાવવામાં નિષ્ફળ રહી છે. તેમણે કહ્યું, “કોંગ્રેસ હોય કે ભાજપ, પછાત વર્ગને ગેરમાર્ગે દોરવાનું બંધ કરો. સ્થાનિક ચૂંટણીઓ ન થાય તો કોઈ ફેર નથી પડતો. પહેલા પછાત વર્ગો માટે અનામત સુનિશ્ચિત કરો.

Share This Article