Thursday, Oct 23, 2025

છત્તીસગઢમાં લોન્ચર અને AK47 જેવા હથિયારો સાથે 208 નક્સલવાદીઓનું આત્મસમર્પણ

2 Min Read

છત્તીસગઢના દંડકારણ્ય વિસ્તારમાં એક મોટો અને સકારાત્મક બદલાવ આવ્યો છે, જ્યાં 208 નક્સલવાદીઓએ કુલ 153 હથિયારો સાથે આત્મસમર્પણ કર્યું છે. આના પરિણામે, અબૂઝમાડ વિસ્તાર લગભગ સંપૂર્ણપણે નક્સલ મુક્ત બની જશે અને ઉત્તર બસ્તરમાંથી લાલ આતંકનો અંત આવશે, જેના પછી આ નક્સલવાદીઓને નવું જીવન શરુ કરવામાં મદદ કરવામાં આવશે, હવે માત્ર દક્ષિણ બસ્તરમાં જ થોડી સમસ્યા બાકી રહી છે.

દંડકારણ્યમાં 258 નક્સલવાદીઓનું ઐતિહાસિક આત્મસમર્પણ
છત્તીસગઢ અને કેન્દ્ર સરકારના પ્રયાસો ફળી રહ્યા છે, જેના ભાગરૂપે છેલ્લા બે દિવસમાં કુલ 258 નક્સલવાદીઓએ આત્મસમર્પણ કર્યું છે, જેમાં છત્તીસગઢના 197 અને મહારાષ્ટ્રના 61 નક્સલવાદીઓ સામેલ છે. આજનું આ સરેન્ડર દંડકારણ્યનું સૌથી મોટું આત્મસમર્પણ ગણાય છે, જેમાં ઘણા મોટા કમાન્ડર પણ જંગલોમાંથી નીકળીને મુખ્ય પ્રવાહમાં પાછા ફરી રહ્યા છે.

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે આ ઘટનાને ઐતિહાસિક ગણાવતાં કહ્યું કે, ‘અબૂઝમાડ અને ઉત્તર બસ્તર હવે નક્સલ મુક્ત છે અને સરકારનો લક્ષ્ય 31 માર્ચ 2026 સુધીમાં સમગ્ર દેશમાંથી નક્સલવાદનો ખાત્મો કરવાનો છે. છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુ દેવ સાઈના મતે, આ શાંતિ અને વિકાસનો નવો યુગ છે, કારણ કે નક્સલવાદ દરેક મોરચે હારી રહ્યો છે.’

આત્મસમર્પણ સમયે 153 હથિયારો જમા કરાવ્યા
નક્સલવાદી સંગઠન પાસે ઘણા ઘાતક હથિયારો હતા. આત્મસમર્પણ સમયે તેમણે કુલ 153 હથિયારો જમા કરાવ્યા. જેમાં લેટેસ્ટ અને જૂના એમ બંને પ્રકારના હથિયારો છે. જેમાં 19 AK-47 રાઇફલ, 17 SLR રાઇફલ, 23 INSAS રાઇફલ, 1 INSAS LMG, 36 .303 રાઇફલ, 4 કાર્બાઇન, 11 BGL લૉન્ચર, 41 12 બોર/સિંગલ શૉટ, 1 પિસ્તોલ મળી આવ્યા છે.

નક્સલવાદીઓ વર્ષોથી છુપાયેલા રહેતા હતા તેવો છત્તીસગઢનો ગાઢ જંગલ વિસ્તાર અબૂઝમાડ, જે ભારતનો છેલ્લો મોટો નક્સલ ગઢ હતો, તે આજના સરેન્ડરને કારણે લગભગ નક્સલ મુક્ત થઈ ગયો છે. હવે ઉત્તર બસ્તર પણ શાંત છે. આ શાંતિના કારણે, અહીં વિકાસના કામો – જેમ કે રસ્તાઓ, શાળાઓ અને હૉસ્પિટલો બનાવવાના કામ ઝડપી થશે, તેમજ લોકો પણ ડર વગર રહી શકશે.

Share This Article