ખેડા પાસે એક ટેન્કર અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં 32 ટન પામોલિન ઓઇલ ભરેલું ટેન્કર પલટી જતાં હાઇવે પર ઓઇલ ફેલાઈ ગયું હતું. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
પશુ આડે આવી જતાં ડ્રાઇવરે કાબૂ ગુમાવ્યો
મળતી માહિતી મુજબ કચ્છના ગાંધીધામથી પામોલિન ઓઇલ ભરીને ટેન્કર નડિયાદ જઇ રહ્યું હતું. આ દરમિયાન ખેડા પાસે કોઇ પશુ આડે આવી જતાં ડ્રાઇવરે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતાં ટેન્કર ગુલાંટ મારી ગયું હતું.
આ અકસ્માત પછી આસપાસના ગામોના લોકો મોટી સંખ્યામાં સ્થળ પર પહોંચી ગયા અને ડોલ, કેરબા સહિત જે વાસણ હાથમાં આવ્યું તે લઈને હાઇવે પર ઢોળાયેલું પામોલિન ઓઇલ ભરવા લાગ્યા. થોડી જ વારમાં હજારો લિટર ઓઇલ લોકોએ ભરી લીધું.
ટેન્કરના ડ્રાઇવર ભજનલાલે જણાવ્યું કે, “હું ટેન્કર મારી રીતે ચલાવી રહ્યો હતો ત્યારે અચાનક ઢોર આવી ગયું. તેને બચાવતાં ટેન્કર અનબેલેન્સ થઈને ગ્રિલ સાથે અથડાઈ પલટી ગયું. ટેન્કરમાં 32 ટન પામોલિન ઓઇલ ભરેલું હતું, જે નડિયાદમાં ખાલી કરવાનું હતું.”
ખેડા ફાયર વિભાગના ક્લાર્ક મહેન્દ્રસિંહ પરમારના જણાવ્યા અનુસાર, માતર પોલીસ ટાઉન સ્ટેશન તરફથી અમને ખેડા હાઇવે પર ઓઇલનું ટેન્કર પલટી ખાઈ ગયું હોવાની જાણ મળી હતી. તરત જ અમે અમારી ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા.