સુરતમાં દિવાળી તહેવારને લઈને આરોગ્ય વિભાગ એકશનમાં આવ્યું છે. શહેરના વિવિધ ઝોન વિસ્તારના મીઠાઈની દુકાનોમાં આરોગ્ય વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા. ફૂડ વિભાગ દ્વારા અલગ-અલગ મીઠાઈના નમુનાઓ લેવામાં આવ્યા. દરમિયાન શહેરના ઘોડરોડના શિવ શક્તિ દુકાનની મીઠાઈમાંથી વંદો નીકળ્યો. તપાસ દરમિયાન જ એક મીઠાઈના કેરેટ માંથી વંદો જતો દેખાયો. જેને લઈને આરોગ્ય વિભાગના અધિકારીઓએ મીઠાઈના આખા કેરેટનો નાશ કર્યો.
સુરત મહાનગર પાલિકા ફૂડ વિભાગ એકશનમાં શહેરમાં દિવાળીને લઈએ સુરત મહાનગર પાલિકા ફૂડ વિભાગ દ્વારા ફરસાણ અને મીઠાઈની દુકાનો પર તપાસ હાથ ધરવામાં આવી. તહેવારનો લાભ લઈ દુકાનદારો નકલી તેલનો ઉપયોગ કરે છે જયારે મીઠાઈ બનાવવા ઉપયોગમાં લેવાતો માવો અખાદ્ય હોવા છતાં વપરાશ કરવામાં આવે છે. તેમજ વેપારીઓ દ્વારા સ્વચ્છતાને લઈને યોગ્ય તકેદારી પણ રાખવામાં આવતી નથી તેને લઈને પણ આરોગ્ય વિભાગ દ્વારા ચકાસણી કરી વેપારીઓને નિયમ મુજબ દંડ ફટાકરવામાં આવે છે. દરમિયાન આરોગ્યની તપાસ દરમિયાન ગંદકી જોવા મળે તેવા એકમો સામે કડક કાર્યવાહી કરાશે.
સુરત મહાનગર પાલિકા ફૂડ વિભાગ દ્વારા શહેરમાં જે વિક્રેતાઓને ત્યાં લેવાયલ ખાદ્ય પદાર્થના નમૂના અને સ્વચ્છતા બાબતે શંકાસ્પદ લાગતા કાર્યવાહી હાથ ધરાય છે. આવા એકમોને ચકાસણીનો રિપોર્ટ ના આવે ત્યાં સુધી વેચાણ પર પ્રતિબંધ લગાવવામાં આવતો હોય છે. તાજેતરમાં હાથ ધરાયેલ ફૂડ વિભાગના દરોડામાં શિવ શક્તિ વિક્રેતાને ત્યાં તપાસ દરમિયાન જ મીઠાઈમાં વંદો જોવા મળતા સમગ્ર જથ્થાનો નાશ કરાયો. તહેવારમાં વેપારીઓ દ્વારા કમાણીની લાલચે ખાદ્યપદાર્થમાં ભેળસેળ કરવામાં આવે છે. પરંતુ તેના કારણે લોકોમાં સ્વાસ્થ્ય સમસ્યામાં વધારો થતો હોવાનું પણ સામે આવ્યું છે. અને એટલે જ દિવાળીને લઈને આરોગ્ય વિભાગે વિવિધ એકમો પર ચકાસણી હાથ ધરી છે.