ગાંધીનગરમાં રાજકીય ગરમાવો તેજ બન્યો છે. અચાનક દિલ્હીમાં યોજાયેલી એક ઉચ્ચસ્તરીય બેઠક બાદ ગુજરાતના મંત્રિમંડળમાં મોટા ફેરફારો થવાની સંભાવનાઓ પ્રબળ બની છે. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને સંગઠન મહામંત્રી સહિતના અગ્રણી નેતાઓ હાજર રહ્યા હતા, જેના પગલે હવે રાજ્યમાં મોટા રાજકીય ઓપરેશન થશે તેવી અટકળોએ જોર પકડ્યું છે.
સોમવારે કોઈપણ પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ વિના જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને સંગઠન મહામંત્રી રત્નાકર દિલ્હી પહોંચ્યા હતા. ત્યાં તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં ભાજપના પૂર્વ પ્રમુખ સી.આર. પાટીલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. છ કલાકથી વધુ સમય સુધી ચાલેલી આ બેઠક રાત્રે 11 વાગ્યા પછી પણ જારી રહી હતી, જેણે ગુજરાતના રાજકારણમાં મોટા ફેરબદલના સંકેતો આપ્યા છે.
દિલ્હીની આ મથામણ બાદ ગુજરાતના વર્તમાન મંત્રીમંડળમાં ભારે ઊચાટ જોવા મળી રહ્યો છે. કયા મંત્રીઓ ચાલુ રહેશે અને કયા મંત્રીઓની વિદાય થશે તેને લઈને તર્ક-વિતર્કો અને અટકળોનો દોર શરૂ થયો છે. દરેક મંત્રીને કંઈક મોટી નવા-જૂની થવાના અણસાર આવી ગયા છે. આજે મંગળવારે મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ પરત ફર્યા બાદ સ્થિતિ વધુ સ્પષ્ટ થવાની રાહ જોવાઈ રહી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની છેલ્લા ત્રણ મહિનામાં વડાપ્રધાન સાથેની આ ત્રીજી મુલાકાત છે. અગાઉની મુલાકાતો બાદ પણ મંત્રિમંડળ વિસ્તરણની ચર્ચાઓ તેજ બની હતી, પરંતુ કોઈ નક્કર ઘટનાક્રમ જોવા મળ્યો ન હતો. જોકે, આ વખતે ભાજપ સંગઠનના નેતાઓ માની રહ્યા છે કે આ બેઠકનું મહત્ત્વ ખૂબ જ અલગ છે, કારણ કે ગુજરાતના નેતાઓને દિલ્હીથી અચાનક તેડું આવ્યું હતું. મુખ્યમંત્રીએ પોતાના ગુજરાતના કેટલાક કાર્યક્રમોમાં પણ ફેરફાર કર્યા છે, જે આ અટકળોને વધુ વેગ આપે છે.
મંત્રિમંડળમાં ફેરફાર દિવાળી પહેલા થશે કે પછી, તે મુદ્દે પણ ગાંધીનગરના રાજકીય વર્તુળોમાં અસમંજસ અને ઊચાટ છવાયેલો છે. આ બેઠકમાં બોટાદની ઘટના, જ્યાં ખેડૂતો દ્વારા થયેલા વિરોધ પ્રદર્શનો અને પોલીસ સાથેના ઘર્ષણ અંગે પણ ચર્ચા થઈ હોવાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. સ્થિતિની ગંભીરતાને જોતાં સરકાર આગામી દિવસોમાં તેના નિવારણાત્મક પગલાં ભરવા માટે પણ મંથન કરી શકે છે.
આ બેઠકની ગુપ્તતા અને ગંભીરતા એ હકીકત પરથી સ્પષ્ટ થાય છે કે વડાપ્રધાન કે મુખ્યમંત્રીએ આ બેઠક અંગે કોઈ પણ તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી ન હતી. ઉપરાંત, આ બેઠકમાં સી.આર. પાટીલને ખાસ હાજર રાખવામાં આવ્યા હતા, જે દર્શાવે છે કે ચર્ચાઓ અત્યંત મહત્ત્વપૂર્ણ અને ગંભીર પ્રકારની હતી. દિલ્હીમાં રાતભર ભાજપના અન્ય નેતાઓ પણ ગુજરાતમાં શું બનશે તે અંગે માહિતીના અભાવે આપસમાં ચર્ચા કરતા રહ્યા હતા. મુખ્યમંત્રી કાર્યાલયમાંથી મળતી અસામાન્ય માહિતીએ અન્ય વિભાગોમાં પણ હડકંપ મચાવ્યો હતો.