Thursday, Oct 23, 2025

ટ્રમ્પનો વિદેશી વિદ્યાર્થીઓ પર ઝટકો: યુએસની 9 અગ્રણી યુનિવર્સિટીઓમાં એડમિશન મર્યાદિત

2 Min Read

યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે H-1B વિઝા પર 1,00,000 ડોલરની વધારાની ફી લાદીને વિદેશી પ્રોફેશનલ્સને ઝટકો આપ્યા બાદ હવે વિદેશી વિદ્યાર્થીઓને પણ મોટો ઝટકો આપ્યો છે. ટ્રમ્પ વહીવટીતંત્રે યુએસની 9 અગ્રણી યુનિવર્સિટીઓને મેમો પાઠવીને એડમિશન પ્રક્રિયામાં કડક મર્યાદા લાગુ કરવાની સૂચના આપી છે, જેના કારણે ખાસ કરીને ભારતીય વિદ્યાર્થીઓ પર ગંભીર અસર થવાની શક્યતા છે.

મેમોનું શીર્ષક અને મુખ્ય મુદ્દા

ટ્રમ્પ વહીવટીતંત્રે “A Compact for Academic Excellence in Higher Education” શીર્ષક હેઠળ 10-પોઈન્ટ્સનો મેમો મોકલ્યો છે. તેમાં યુનિવર્સિટીઓને સૂચના આપવામાં આવી છે કે:

  • આંતરરાષ્ટ્રીય અંડરગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓની સંખ્યા કુલ એડમિશનના 15% સુધી મર્યાદિત રાખવી.
  • એક જ દેશના 5% થી વધુ વિદ્યાર્થીઓને એડમિશન ન આપવું.
  • એડમિશન કે રિક્રુટમેન્ટ દરમિયાન જાતિ અથવા લિંગના આધારે ભેદભાવ ન રાખવો.
  • ટ્યુશન ફી 5 વર્ષ સુધી ફ્રીઝ રાખવી.
  • જાતિ, લિંગ અને નાગરિકતા આધારિત એડમિશન ડેટા જાહેર કરવો.
  • જે વિભાગો પરંપરાગત અમેરિકન મૂલ્યોને નુકસાન પહોંચાડે, તે વિભાગો બંધ કરવા.
  • આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ અમેરિકન અને પશ્ચિમી મૂલ્યો સાથે સુસંગત છે કે નહીં, તેની તપાસ કરવી.

અસર ભારતીય વિદ્યાર્થીઓ પર

હાલમાં યુએસમાં અભ્યાસ કરતા કુલ વિદેશી વિદ્યાર્થીઓમાં 70 ટકા વિદ્યાર્થી ભારત અને ચીનના છે. નવા નિયમોને કારણે આ બંને દેશોના વિદ્યાર્થીઓને એડમિશન મેળવવામાં મુશ્કેલી ઊભી થશે.

આ 9 યુનિવર્સિટીઓને પાઠવાયો મેમો
આ મેમો નીચેની પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓને મોકલવામાં આવ્યો છે:

  • MIT
  • બ્રાઉન યુનિવર્સિટી
  • ડાર્ટમાઉથ કોલેજ
  • યુનિવર્સિટી ઓફ એરિઝોના
  • યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયા
  • યુનિવર્સિટી ઓફ સધર્ન કેલિફોર્નિયા
  • યુનિવર્સિટી ઓફ ટેક્સાસ
  • યુનિવર્સિટી ઓફ વર્જિનિયા
  • વેન્ડરબિલ્ટ યુનિવર્સિટી

ટ્રમ્પ વહીવટીતંત્રના આ મેમોનું પાલન ન કરનાર યુનિવર્સીટીઓને મળતા ફેડરલ ભંડોળમાં ભારે કાપ મુકવામાં આવી શકે છે. આ નવ યુનિવર્સિટીઓને જ શા માટે મેમો પાઠવવામાં આવ્યો એ અંગે વ્હાઇટ હાઉસે હજુ સુધી સ્પષ્ટતા કરી નથી.

Share This Article